કૃષિ માટે એક જ દિવસમાં વિક્રમજનક 10 કરોડ યુનિટ વીજળી અપાઈ

ગાંધીનગર- કૃષિ માટે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, એટલું જ નહીં ગુજરાતે એક જ દિવસમાં વિક્રમજનક 10 કરોડ યુનિટથી વધુ વીજળી પૂરી પાડવાની સિદ્ધિ મેળવી હોવાનું ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું.વધુમાં પુરતા વીજ વ્યવસ્થાપન અને આયોજનના કારણે ખેડૂતોને પૂરતી વીજળી પુરી પાડીને ગુજરાતે વિક્રમજનક સિદ્ધિ મેળવી છે.

સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં કૃષિક્ષેત્રે દૈનિક ૬ થી ૭ કરોડ યુનિટ વીજળીનો વપરાશ રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને દસ કલાક વીજ પુરવઠો આપવાના સરકારના ખેડૂતલક્ષી નિર્ણયને લઈને આ વપરાશ 10 કરોડ યુનિટને પાર કરી ગયો છે જે વિક્રમજનક ઐતિહાસિક સિદ્ધિ છે. ગુજરાત ભૌગોલિક રીતે અન્ય રાજ્યોની સરખામણીએ નાનું રાજ્ય છે છતાં ગુજરાતે કૃષિક્ષેત્રે સૌથી વધુ યુનિટ પુરા પાડ્યા છે.

કૃષિ ક્ષેત્રે વીજળી – ગુજરાત અને અન્ય રાજ્યોની સરખામણી

ક્રમ રાજ્યનું નામ કૃષિ ક્ષેત્રે દૈનિક વીજળી (યુનિટમાં) કૃષિ વિષયક વીજ જોડાણો (લાખમાં)
ગુજરાત ૧૦ કરોડ યુનિટ ૧૫ લાખ
મહારાષ્ટ્ર ૮ કરોડ યુનિટ ૪૨ લાખ
ઉત્તર પ્રદેશ ૯.૫ કરોડ યુનિટ ૪૦ લાખ
તેલંગાણા ૭ કરોડ યુનિટ ૨૩ લાખ
તામિલનાડુ ૬ કરોડ યુનિટ ૨૦ લાખ
મધ્યપ્રદેશ ૮ કરોડ યુનિટ ૧૯ લાખ

 

અહીં મહત્વની વાત એ છે કે, તેલંગાણા રાજ્યમાં ૨૩ લાખ ખેડૂતોને  ૨૪ કલાક વીજળી પુરી પાડવામાં આવે છે છતાં દૈનિક ૭ કરોડ યુનિટ જ વીજળી વપરાય છે.

ચાલુ વર્ષે રાજ્યમાં અપૂરતો વરસાદ થવાથી ખેડૂતોના પ્રતિનિધિઓ, લોક પ્રતિનિધિઓ અને ખેડૂત સંગઠનો તરફથી ખેડૂતોને આઠ કલાકને બદલે બે કલાક વધારીને દસ કલાક વીજ પુરવઠો આપવાની રજૂઆતોને ધ્યાનમાં લઈને 8 ઓગસ્ટથી  કૃષિ ક્ષેત્રે સતત થ્રી ફેઝ  દસ કલાક વીજ પુરવઠો આપવાનું શરૂ કરેલ છે.

પટેલે જણાવ્યું કે છેલ્લા ૬ વર્ષથી ખેડૂતોને દર વર્ષે સરેરાશ ૧ લાખ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવેલ છે. ગત નાણાકીય વર્ષમાં એટલે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં ૧.૨૧ લાખથી પણ વધુ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવેલ છે તથા ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧.૨૨ લાખથી પણ વધુ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવા રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]