‘પ્રદૂષણમુક્ત ગુજરાત’ બનાવવા ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી જાહેર

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની ઇલેક્ટ્રિકલ વેહિકલ પોલિસી જાહેરાત કરી છે. સરકારે વિવિધ વેહિકલ માટે સબસિડીની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખાય છે. આપણે પેટ્રોલ વેહિકલ એક્સપોર્ટ કરીએ છીએ અને ઇલેક્ટ્રિક વાહન ચાલે તો પ્રદૂષણમુક્ત ગુજરાત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ‘ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર માટે રૂ. 50,000ની સબસિડી તો ફોર વ્હીલર માટે 1.5 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી છે. હોટલો પાસે ચાર્જિંગ સ્ટેશન કરવાનું સરકારનું આયોજન છે. રાજ્યમાં 250 ચાર્જિંગ સ્ટેશન મંજૂર થયેલાં છે. 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વેહિકલો માટે પ્રતિ કિલો વોટ સબસિડી અપાશે. આ પોલિસી ચાર વર્ષ માટે માન્ય ગણાશે.

ઇલેક્ટ્રિક વેહિકલો પર અન્ય રાજ્યોમાં ટેક્સ માફી છે તો ગુજરાતે સબસિડી આપી છે. બેટરી સ્વેપિંગ સ્ટેશનોને પણ પ્રોત્સાહિત કરાશે. રાજ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલોનું પ્રોડક્શન જૂનથી શરૂ થઈ જશે. હાઇવે પર ચાર્જિંગ સ્ટેશનો ઊભાં કરવામાં આવશે. જેથી છ લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકશે અને અને સાથે જ વર્ષેદહાડે રૂ. પાંચ કરોડનું ઈંધણ બચશે.

રાજ્ય સરકારની પોલિસી હેઠળની મહત્ત્વની જાહેરાત

ટૂ-વ્હીલર માટે રૂ. 20,000 સુધીની સબસિડી

થ્રી-વ્હીલર માટે રૂ. 50,000 સુધીની સબસીડી

ફોર-વ્હીલર માટે રૂ.1. 50 લાખ સુધીની સબસિડી

ચાર્જિગ સ્ટેશન બનાવવા માટે પણ સબસિડી

હાઇવે પર ઇલે.વેહિકલ ચાર્જિગ માટે કરાશે વ્યવસ્થા

500 ઇલે.વાહનની બેટરી ચાર્જ કરવા ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.