કપાસના ટેકાના ભાવમાં મણદીઠ રુ.૧૦૦ બોનસ ગુજરાત સરકાર આપશે

ગાંધીનગર- પહેલી નવેમ્બર, ૨૦૧૭થી કપાસની ત્રણેય જાત ઉપર રાજ્ય સરકાર ટેકાના ભાવ ઉપરાંત મણ દીઠ રૂા. ૧૦૦ બોનસ આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે કપાસ ઉત્પાદક ધરતીપુત્રોને પોષણક્ષમ ભાવ સાથે આ વધારાનો લાભ પણ મળતો થશે.

રાજ્યમાં ખરીફ મોસમમાં ૨૭ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે અને અંદાજે ૫૦.૫૦ મિલિયન ક્વીન્ટલ કપાસ ઉત્પાદનનો અંદાજ છે. કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને રક્ષણ મળે તે માટે મુખ્યપ્રધાને કરેલા આ નિર્ણય અનુસાર મધ્યમ તારના કપાસના પ્રવર્તમાન ટેકાના મણદીઠ રૂા.૮૦૪ મધ્યમ લાંબા તારના કપાસના મણદીઠ રૂા.૮૫૪ અને લાંબા તારના કપાસના મણદીઠ રૂા.૮૬૪ના ભાવમાં ત્રણેય જાતમાં મણદીઠ રૂા.૧૦૦ બોનસ સરકાર આપશે. આના પરીણામે રૂા.૧૨૫૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર વહન કરીને ધરતીપુત્રોને વધારે આપશે. રાજ્યમાં ૫૬ જેટલા કેન્દ્રો પરથી કપાસ ખરીદી થવાની છે, તે પૈકી ૪૦ કેન્દ્રો ૧ લી નવેમ્બર-૨૦૧૭થી ખરીદી કરી દેશે.