અરવલ્લી જિલ્લામાં જીનેટીકલી મોડીફાઇડ સોયાબીનનો જ્થ્થો પકડાયો

ગાંધીનગર- અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ(હર્બીસાઇડ ટોલરન્ટ) સોયાબીનનો જથ્થો હોવાની માહિતી અરવલ્લી જિલ્લાના ખેતી નિયામકને મળતાં 3000 કિલો જથ્થો જપ્ત કરાયો છે.તપાસ દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા આસપાસના બેથી ત્રણ ગામોના કેટલાક ખેડૂતોની પુછપરછ હાથ ધરી શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ સોયાબીનનો જથ્થો ઉપલબ્ધ હોવાનું ધ્યાને આવેલ. જેના આધારે સદર ટીમ દ્વારા શંકાસ્પદ જથ્થામાંથી જીનેટીકલી મોડીફાઇડ (હર્બીસાઇડ ટોલરન્ટ) સોયાબીનના નમુના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અંદાજિત ૩૦૦૦ કિલો જેટલો જથ્થો નિયમાનુસાર અટકાવવામાં આવ્યો છે.

ખેડુતોની પુછપરછ દરમિયાન આ બિયારણ તેઓ દ્વારા મોડાસાના એક વિક્રેતા મારફત ૨૦ કિલોગ્રામના પેકીંગમાં અંદાજિત ૧૬ બેગ જેટલા જથ્થામાં ખરીદવામાં આવ્યું હતું. આ બિયારણથી ઉગેલ પાકમાં વીડીસાઇડ (ગ્લાયફોસેટ) છાંટવા છતાય સોયાબીનના પાકને કોઇ અસર થતી નથી જ્યારે નિંદામણ સંપુર્ણપણે નાશ પામે છે. આ બિયારણ ડીલર દ્વારા સોયાબીનની નવી સારી સંશોધિત જાત હોવાનું કહી આપવામાં આવ્યું હતું. આ બાબતે વિક્રેતાની પુછપરછ કરતાં તેમના દ્વારા આ જથ્થો અમદાવાદની એક ખાનગી કંપની મારફત આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ સંદર્ભે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા આ જથ્થાનો નિકાલ નહી કરવાની નોટીસ બજાવી, નિયમ અનુસાર નમુનાઓ લઇ, પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.