‘વોર’ ફિલ્મનું પાવર-પેક્ડ ટ્રેલર રિલીઝ કરાયું; હૃતિક-ટાઈગરની ટક્કર જોઈને નેટયુઝર્સ ઘેલાં થયાં

મુંબઈ – હૃતિક રોશન અને ટાઈગર શ્રોફને પહેલી જ વાર રૂપેરી પડદા પર સાથે એક્શન કરતા બતાવશે યશરાજ ફિલ્મ્સની આગામી નવી હિન્દી ફિલ્મ ‘વોર’. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે અને એનાં દ્રશ્યો ખૂબ જ પ્રભાવિત કરી દેનારાં છે.

ટ્રેલર જોઈને આ બંને અભિનેતાનાં ચાહકો ફિલ્મ જોવા માટે ઉત્સૂક થશે એમાં કોઈ શંકા નથી. ફિલ્મ જોવા માટે એમણે જોકે બહુ નહીં, પણ થોડીક રાહ જોવી પડશે. ફિલ્મ આવતી બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

‘વોર’ ફિલ્મનું ટ્રેલર ભરપૂર એક્શનવાળું તો છે, પણ સસ્પેન્સવાળું પણ છે. હૃતિક અને ટાઈગર બંને જણ એક્શન કરતાં ખૂબ જામે પણ છે.

‘વોર’માં હૃતિક અને ટાઈગર ઉપરાંત વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે, જેમણે બેન્ગ બેન્ગ બનાવી હતી. એમાં પણ એમનો હિરો હૃતિક જ હતો.

ટ્રેલરની શરૂઆતમાં હૃતિક દેખાય છે, જે કબીર બન્યો છે, જે ભારતીય સીક્રેટ એજન્ટ હતો, પણ હવે બળવાખોર બની ગયો છે. બીજી બાજુ, ટાઈગર શ્રોફ ખાલિદનો રોલ કરી રહ્યો છે જે એક સમયે કબીરનો સ્ટુડન્ટ હતો, પરંતુ હવે એને જ કામ સોંપવામાં આવ્યું છે કબીરને રોકવા અને ખતમ કરવાનું.

‘વોર’ના ટ્રેલર પરથી કહી શકાય કે અમુક દ્રશ્યો ખરેખર સરસ રીતે અને વિદેશમાં ઘણા લાક્ષણિક લોકેશન્સમાં ફિલ્માવવામાં આવ્યા છે. દિગ્દર્શકે હૃતિક અને ટાઈગર, બંનેની એક્શન કાબેલિયતનો ભરપૂર રીતે ઉપયોગ કર્યો છે. બંને જણ સાથે ડાન્સ કરતાં હોય એવો એક પણ શોટ નથી એટલે બંનેનાં ચાહકોને કદાચ નહીં ગમે, કારણ કે આ બંને જણ જબરા ડાન્સર છે.

ટાઈગર છેલ્લે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’માં દેખાયો હતો જ્યારે હૃતિક ‘સુપર 30’માં દેખાયો હતો.

સિદ્ધાર્થ આનંદે પોર્ટુગલના સૌથી ઊંચા પહાડ ‘સેરા દા એસ્ટ્રેલા’ પર સુપરબાઈક્સની એક્શન ચેઝ સીક્વન્સનું શૂટિંગ કરાવ્યું હતું. આ સુપરબાઈક્સ ચલાવવા માટે હૃતિક અને ટાઈગરને ખાસ તાલીમ આપવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]