પીઢ અભિનેતા ડો. શ્રીરામ લાગુ (92)નું પુણેમાં નિધન

મુંબઈ – મરાઠી રંગભૂમિ અને ફિલ્મોના નટસમ્રાટ તરીકે જાણીતા તેમજ હિન્દી ફિલ્મોના ખ્યાતનામ અભિનેતા ડો. શ્રીરામ લાગુનું આજે પુણેમાં નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. એમના અંતિમ સંસ્કાર ગુરુવારે કરવામાં આવશે.

વૃદ્ધાવસ્થાને કારણે સ્વાસ્થ્યને લગતી તકલીફોને કારણે લાગુને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં આજે મોડી રાતે એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

લાગુના નિધન અંગે જાણીતા મરાઠી અભિનેતા અશોક સરાફ તથા કોંગ્રેસના રાજ્ય એકમના પ્રવક્તા સચીન સાવંતે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

લાગુ આંખ, નાક અને ગળાનાં ક્વાલિફાઈડ ડોક્ટર હતા. પોતાની અભિનય ક્ષમતાને ન્યાય આપવા માટે તેઓ એક્ટિંગ ક્ષેત્રમાં ઝુકાવ્યું હતું અને ચાર દાયકાની કારકિર્દીમાં રંગભૂમિ તથા ફિલ્મ ક્ષેત્રે નામના મેળવી હતી.

એમણે કારકિર્દીમાં 100થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. એમણે મરાઠી અને હિન્દી ભાષામાં 40 નાટકમાં અભિનય કર્યો હતો અને કેટલાક મરાઠી નાટકોનું દિગ્દર્શન પણ કર્યું હતું. એમણે અમુક ગુજરાતી નાટકોમાં પણ અભિનય કર્યો હતો. હિન્દી ફિલ્મ ‘ઘરૌંદા’માં કરેલા અભિનય બદલ એમને સહાયક અભિનેતા તરીકેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

લાગુએ 50ના દાયામાં મુંબઈ યુનિવર્સિટીમાંથી ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી હતી અને થોડાક વર્ષ સુધી ડોક્ટર તરીકે સેવા પણ બજાવી હતી, પણ બાદમાં તેઓ ફિલ્મ અભિનય તરફ વળ્યા હતા અને પોતાનું સમગ્ર જીવન નાટ્ય અને ફિલ્મ ક્ષેત્રને અર્પણ કરી દીધું હતું.

એમણે આહટ, પિંજરા, મેરે સાથ ચલ અને સામના જેવી ફિલ્મોમાં કામ કરીને કારકિર્દીનો આરંભ કર્યો હતો.