બોલીવૂડ પીઢ અભિનેતા ટોમ ઓલ્ટરનું કેન્સરને કારણે મુંબઈમાં અવસાન

મુંબઈ – જાણીતા ફિલ્મ, ટેલિવિઝન અને રંગભૂમિના અભિનેતા ટોમ ઓલ્ટરનું કેન્સરની બીમારી સામે લડતાં અત્રે એમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા.

ટોમ ઓલ્ટર સ્કિન કેન્સરથી પીડાતા હતા. એમનું કેન્સર સ્ટેજ-4 પર પહોંચી ગયું હતું. બે અઠવાડિયા પહેલાં એમને મુંબઈમાં ચર્ની રોડ સ્થિત સૈફી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એમના પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે અભિનેતા, લેખક, દિગ્દર્શક, ‘પદ્મશ્રી’ અને અમારા પ્રિય પતિ અને પિતાનાં નિધનની જાહેરાત કરતાં અમે દુઃખ અનુભવીએ છીએ. ટોમે શુક્રવારે રાતે નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. એ વખતે એમના પરિવારજનો તથા નિકટના સ્વજનો હાજર હતાં.

ટોમે 300થી વધુ ફિલ્મો ઉપરાંત અનેક ટીવી શોમાં અભિનય કર્યો હતો. એમણે દિગ્દર્શન ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું અને 1980-90ના દાયકા દરમિયાન તેઓ સ્પોર્ટ્સ લેખક પણ હતા. સચીન તેંડુલકરનો ઈન્ટરવ્યૂ લેનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.

કળા અને સિનેમા ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરવા બદલ ભારત સરકારે ટોમ ઓલ્ટરને 2008માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.

1950માં મસૂરી હિલ સ્ટેશનમાં જન્મેલા ટોમે પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગમાં ગોલ્ડ મેડલ સાથે ડિપ્લોમા હાંસલ કર્યો હતો.

1976માં આવેલી રામાનંદ સાગરની હિન્દી ફિલ્મ ‘ચરસ’ એક્ટર તરીકે ટોમની પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ એમણે શતરંજ કે ખિલાડી, જૂનૂન, ક્રાંતિ, રામ તેરી ગંગા મૈલી, પરિંદા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]