‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મની રિલીઝ અચોક્કસ મુદત સુધી મુલતવી

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બહુચર્ચિત હિન્દી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ જે પાંચ એપ્રિલે રિલીઝ કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી એને હવે અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવી છે એવું ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે ટ્વિટર પર જાણકારી આપી છે.

અગાઉ એવા સમાચાર હતા કે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખને એક અઠવાડિયું લંબાવી છે અને તે હવે 11મી એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરાયું છે. વિવેક આનંદ ઓબેરોયને નરેન્દ્ર મોદીની ભૂમિકામાં દર્શાવતી આ ફિલ્મની મૂળ રિલીઝ ડેટ તો 12 એપ્રિલ નક્કી કરાઈ હતી. પરંતુ હવે નિર્માતા સંદીપ સિંહની જાહેરાત જ થઈ છે કે ફિલ્મની રિલીઝને અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

ફિલ્મની રિલીઝ અટકી જવાનું કારણ એ છે કે ફિલ્મને હજી સુધી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યું નથી.

આ ફિલ્મ આવી રહેલી લોકસભા ચૂંટણી માટે વડા પ્રધાન મોદી અને શાસક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે છે એવી વિરોધ પક્ષોએ ફરિયાદ કરી છે. મોદી અને ભાજપ બીજી મુદત મેળવવા માટે જોરશોરથી પ્રયત્નશીલ છે.

લોકસભા ચૂંટણી સાત રાઉન્ડમાં થવાની છે. પહેલા રાઉન્ડનું મતદાન 11 એપ્રિલે નિર્ધારિત છે. આખરી રાઉન્ડ 19 મેએ યોજાશે અને મતગણતરી તથા પરિણામ માટે 23 મેનો દિવસ નક્કી કરાયો છે.

આ ફિલ્મની રિલીઝ ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે એવી ફરિયાદોના જવાબમાં નિર્માતાઓ આનંદ પંડિત, આચાર્ય મનીષ, સંદીપ સિંહ અને સુરેશ ઓબેરોયે ચૂંટણી પંચને કહ્યું હતું કે આ ફિલ્મને ભાજપ સાથે કોઈ સંબંધ નથી.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને રિલીઝને રોકી દેવાની દાદ ચાહતી જનહિતની અરજીઓને સ્વીકારવાનો મુંંબઈ અને દિલ્હીની વડી અદાલતોએ એમ કહીને ઈનકાર કર્યો છે કે આ અંગેનો નિર્ણય ચૂંટણી પંચ લેશે.

સતિષ ગાયકવાડ નામના એક અરજદાર સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટિશન રજૂ કરવાના છે અને માગણી કરશે કે ચૂંટણી પંચ આ ફિલ્મને ચૂંટણી પહેલા રિલીઝ થવા ન દે. ગાયકવાડના વકીલનું કહેવું છે કે અમારી દલીલ છે કે ચૂંટણી પંચ નિર્માતાઓ સાથે ભળી ગયું છે અને કોઈ પગલું લેતું નથી.

આ ફિલ્મનું દિગ્દર્શન ઓમંગ કુમારે કર્યું છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય ઉપરાંત ઝરીના વહાબ, મનોજ જોશી, બમન ઈરાની જેવા કલાકારો પણ છે.