સ્વ. અભિનેતા સંજીવ કુમાર વિશે જીવનચરિત્ર પુસ્તક તૈયાર કરાવશે એમના ભત્રીજા

મુંબઈ – હિન્દી ફિલ્મોના દંતકથાસમાન અભિનેતા સંજીવ કુમાર, જેમનું મૂળ નામ હરિભાઈ જરીવાલા હતું, એમના જીવન પરથી પુસ્તક લખવામાં આવનાર છે. આ જાહેરાત ગઈ 4 નવેંબરે સંજીવ કુમારના 34મા પુણ્યતિથિના દિવસે કરવામાં આવી હતી.

જીવનચરિત્ર પુસ્તક રીના ગુપ્તા લખશે અને તે લખવામાં એમને મદદ કરશે ઉદય જરીવાલા.

ઉદય જરીવાલા સ્વ. સંજીવ કુમારના ભત્રીજા છે અને સંજીવ કુમાર ફાઉન્ડેશન સંસ્થાના વડા પણ છે.

ઉદય જરીવાલાનું કહેવું છે કે, ‘સંજીવ કુમારના જીવન વિશે લોકોને જાણકારી મળવી જોઈએ, કારણ કે એ બહુ નાની ઉંમરે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. સામાન્ય માનવીને જુદા જુદા સ્વરૂપમાં પોતાના અભિનય દ્વારા રૂપેરી પડદા પર રજૂ કરવાની એમની એક ખૂબી હતી. સંજીવ કુમારનું નિધન 1985ની 4 નવેંબરે મુંબઈમાં થયું હતું. એમના નિધન પછી પણ 1993ની સાલ સુધીમાં નિર્માતાઓએ સંજીવ કુમારની 10 ફિલ્મો રિલીઝ કરી હતી. આજે પણ ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો સંજીવ કુમારને દ્રષ્ટાંતરૂપ અદાકાર તરીકે ગણે છે.’

સંજીવ કુમારના જીવનચરિત્ર પુસ્તકમાં વિગતો દ્વારા યોગદાન આપવા માટે એમના મિત્રો, સહ-કસબીઓ તથા પરિવારજનો તૈયાર છે, એમ ઉદય જરીવાલાએ કહ્યું.

આ પુસ્તક આવતા વર્ષે સંજીવ કુમારની 35મી પુણ્યતિથિની તારીખ સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે સંજીવ કુમાર 47 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન પામ્યા હતા. તેઓ ‘આંધી’, ‘દસ્તક’, ‘કોશિશ’, ‘ત્રિશુલ’ અને ‘અંગૂર’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય માટે પ્રખ્યાત થયા છે. એમણે રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો હતો.

સંજીવ કુમારે 1975માં આવેલી ‘શોલે’ ફિલ્મમાં ડાકુ ગબ્બર સિંહ સામે જંગ ખેલનાર નિવૃત્ત પોલીસ અધિકારી ઠાકુર બલદેવ સિંહનું ભજવેલું પાત્ર આજે પણ લોકોનાં માનસપટ પર એટલું જ છવાયેલું રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]