‘ઠાકરે’નું ટ્રેલર રિલીઝ કરાયું; નવાઝુદ્દીનનો રૂઆબ એકદમ ઠાકરે જેવો જ…

મુંબઈ – બોલીવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી એમની પ્રભાવશાળી અભિનયક્ષમતા માટે જાણીતા છે. તેઓ જે કોઈ પાત્ર ભજવે એમાં ઓતપ્રોત થઈ જતા હોય છે. હવે સિદ્દિકી રાજકીય વિષય પર આધારિત ફિલ્મ ‘ઠાકરે’માં શિર્ષક ભૂમિકા ભજવવાના છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના રાજકીય પક્ષ શિવસેનાનાં સ્થાપક-પ્રમુખ સ્વ. બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત છે.

આ ફિલ્મની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ફિલ્મે લોકોમાં ઉત્કંઠા જગાવી છે. આખરે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

ઠાકરે તરીકે નવાઝુદ્દીનનો ફર્સ્ટ લૂક આ વર્ષના જુલાઈ મહિનામાં રિલીઝ કરાયો હતો અને એની ખૂબ પ્રશંસા થઈ હતી અને ફિલ્મ માટેનો રોમાંચ વધારી દીધો હતો.

ફિલ્મમાં ઠાકરેની ભૂમિકાને ન્યાય આપવા માટે નવાઝુદ્દીને પોતાના લૂકની સંપૂર્ણપણે કાયાપલટ કરી દીધી છે. તસવીરમાં એ અસ્સલ બાલ ઠાકરે જેવા જ દેખાય છે.

આ ફિલ્મની પટકથા શિવસેના રાજ્યસભાના સદસ્ય તથા પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે લખી છે.

રાઉત આ ફિલ્મના સહ-નિર્માતા પણ છે. અન્ય નિર્માતા છે કાર્નિવલ મોશન પિક્ચર્સ.

‘ઠાકરે’ ફિલ્મનું દિગ્દર્શન અભિજીત પનસેએ કર્યું છે. ફિલ્મ આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ કરાશે. આ ફિલ્મ મરાઠી અને હિન્દીમાં હશે.

પહેલા આ ફિલ્મની રિલીઝ તારીખ 23 જાન્યુઆરી નક્કી કરાઈ હતી, કારણ કે એ દિવસે બાળાસાહેબ ઠાકરેની જન્મતિથિ છે.

પરંતુ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝને બે દિવસ પાછી ઠેલી છે.

ફિલ્મના ટીઝરને ગયા વર્ષે શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તથા બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને રિલીઝ કર્યું હતું.

બાલ ઠાકરે 2012માં અવસાન પામ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં 50 વર્ષ સુધી છવાયેલા રહ્યા હતા. એમણે પોતાની કારકિર્દી કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી, પણ બાદમાં રાજકારણમાં પડ્યા હતા અને છવાઈ ગયા હતી.

httpss://youtu.be/Qqpl_sAcQF8