ભારતમાં ‘મી ટૂ’ આંદોલનની પ્રણેતા તનુશ્રી દત્તાને હાર્વર્ડના કાર્યક્રમમાં વક્તા તરીકેનું આમંત્રણ

ન્યૂયોર્ક – ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સ્ત્રીઓનાં કરાતાં શોષણ સામે અવાજ ઉઠાવીને #MeToo આંદોલન જગાડનાર બોલીવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા તનુશ્રી દત્તાને અમેરિકામાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ જાણકારી તનુશ્રીએ સોશિયલ મિડિયા મારફત આપી છે.

તનુશ્રીએ આજે ઈન્સ્ટાગ્રામ પર સમાચાર શેર કરતાં લખ્યું છે કે એને આવતી 16 ફેબ્રુઆરીએ અમેરિકાના મેસેચ્યૂશેટ્સ રાજ્યના બોસ્ટનમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ‘ઈન્ડિયા કોન્ફરન્સ’માં સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ કેનેડી સ્કૂલનાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ દ્વારા યોજાતો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ છે.

આ વર્ષના કાર્યક્રમમાં જેમને સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં તનુશ્રી દત્ત ઉપરાંત સામાજિક કાર્યકર્તા અરૂણા રોય, પત્રકાર બરખા દત્ત, ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલી અને નેતા અસદુદ્દીન ઓવૈસી.

ઉલ્લેખનીય છે કે તનુશ્રીએ ગયા વર્ષે કરેલા આરોપને પગલે ફિલ્મ ઉદ્યોગમાં સ્ત્રીઓનાં કરાતા શોષણ વિશે ભારતીય ‘મી ટૂ’ આંદોલન શરૂ થયું હતું. તનુશ્રીએ આરોપ મૂક્યો હતો કે એની ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મનાં સહ-કલાકાર નાના પાટેકરે ફિલ્મના સેટ પર એની જાતીય સતામણી કરી હતી. એ હરકતમાં પાટેકરને બીજા બે ક્રૂ મેમ્બરે સહાય પણ કરી હતી.

એક ઈન્ટરવ્યૂમાં તનુશ્રીએ કહ્યું હતું કે, ‘નાના પાટકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના માણસોને બોલાવ્યા હતા અને મારી કાર પર હુમલો કરાવ્યો હતો. મારી દરેક પ્રકારની જાતીય સતામણીમાં પાટેકરનો હાથ હતો અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ એમને સાથ આપ્યો હતો.’

નાના પાટેકર અને આચાર્ય બંને જણે આ આરોપને રદિયો આપ્યો છે.

એક અલગ કેસમાં, તનુશ્રીએ આરોપ મૂક્યો હતો કે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ એક ડાન્સ સીક્વન્સ વખતે એને નિર્વસ્ત્ર થવા કહ્યું હતું. એ ઘટના બની હતી ત્યારે એનાં સહ-કલાકારો – ઈરફાન ખાન અને સુનીલ શેટ્ટીએ પોતાનો બચાવ કર્યો હતો. અગ્નિહોત્રીએ આ મામલે તનુશ્રીને કાનૂની નોટિસ મોકલી છે.

તનુશ્રીનાં આરોપને પગલે નાના પાટકરે એમની નવી ફિલ્મ ‘હાઉસફૂલ 4’ પડતી મૂકી દીધી હતી.

‘મી ટૂ’ આંદોલનને પગલે દિગ્દર્શકો સાજીદ ખાન, વિકાસ બહલ અને રાજકુમાર હિરાની, કોમેડિયન ઉત્સવ ચક્રવર્તિ, એક્ટર આલોક નાથ, ગીતકાર વિરામૂથુ સામે પણ જાતીય સતામણીનાં આરોપ થયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]