ટાઈગર શ્રોફે 200 કિલો વજન ઉંચકી બતાવ્યું, વિડિયોને મળ્યા છે લાખો વ્યૂઝ

મુંબઈ – બોલીવૂડમાં હાલ સૌથી ફિટ ગણાતા અભિનેતા અને એક્શન હિરો તરીકે જાણીતા થયેલા ટાઈગર શ્રોફે આજે એક વિડિયો શેર કરીને એના મિત્રો તથા પ્રશંસકોને ચકિત કરી દીધાં છે. આ વિડિયોમાં એને 200 કિ.ગ્રા. વજન ઉંચકતો જોઈ શકાય છે.

ટાઈગર ફિટનેસપ્રેમી તરીકે જાણીતો છે. એણે આ વિડિયો એના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો છે. એમાં તે જિમમાં 200 કિ.ગ્રા. વજન ઉંચકતો જોઈ શકાય છે.

આ વિડિયો સાથેની કેપ્શનમાં એણે લખ્યું છેઃ ‘ઘણા લાંબા સમય પછી હું આ સ્તરે પહોંચી શક્યો છું. 200 કિલોગ્રામ. હાઈસ્કૂલના દિવસોમાં આ ઘણું હલકું લાગતું હતું. ઓનલી હ્યુમન.’

એનો આ વિડિયો જોઈને યુવા અભિનેતા ઈશાન ખટ્ટરે કમેન્ટ કરી છેઃ ‘સુપરહ્યુમન.’

તો એના જવાબમાં ટાઈગરે લખ્યું છે, ‘હાહા… ભાઈ આ તો આપણી સ્ટાઈલ છે.’

ટાઈગરના આ વિડિયોને આ લખાય છે ત્યારે 13 લાખ 74 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા હતા.

ટાઈગર ઘણી વાર જિમ્નેશ્યમમાં વર્કઆઉટ કરતી વખતે એની માર્શલ આર્ટ અને જિમ્નેસ્ટિક સ્ટન્ટની તસવીરો અને વિડિયો દર્શાવતો હોય છે.

ટાઈગર હવે ‘વોર’ ફિલ્મમાં જોવા મળવાનો છે. એમાં તેની સાથે હૃતિક રોશન અને વાણી કપૂર પણ ભૂમિકા ભજવી રહ્યાં છે.