સોનૂ, શ્રદ્ધા 2020ના સૌથી હોટેસ્ટ શાકાહારી ઘોષિત

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સતત કંઈક સારું કામ કરીને લોકોનાં દિલ જીતતો રહ્યો છે. હવે એણે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. દુનિયાભરમાં શાકાહારને પ્રોત્સાહિત કરતી અને કોઈ પણ પ્રાણીઓની હત્યા કે એમની સાથે દુર્વ્યવહારનો વિરોધ કરતી સંસ્થા પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા)ની ભારતીય શાખા ‘પેટા ઈન્ડિયા’એ સોનૂને વર્ષ 2020 માટે સૌથી હોટેસ્ટ વેજિટેરિયન ઘોષિત કર્યો છે. સોનૂએ પોતાનું સમ્માન કરવા બદલ ‘પેટા ઈન્ડિયા’નો ટ્વિટર પર આભાર માન્યો છે અને પોતાને આપવામાં આવેલી કાચની એક ટ્રોફીની ઈમેજને શેર પણ કરી છે.

કોરોના વાઈરસને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારે પરપ્રાંતિય મજૂરો-કામદારોને એમના વતન પહોંચવામાં મદદ કરીને સોનૂ સમાચારોમાં ચમકતો થયો હતો. સોનૂએ ‘પેટા ઈન્ડિયા’ માટે શાકાહારને પ્રમોટ કરતી અનેક ઝુંબેશમાં ભાગ લીધો હતો. ‘પેટા ઈન્ડિયા’એ બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પણ વર્ષ 2020 માટે હોટેસ્ટ વેજિટેરિયન ઘોષિત કરી છે. શ્રદ્ધાએ માંસ ખાવાનું છોડી દેતાં ‘પેટા ઈન્ડિયા’ સંસ્થા એને એવોર્ડ આપવા પ્રેરિત થઈ છે. પ્રાણીઓના રક્ષણ માટેના અનેક ચર્ચાસત્રોમાં એણે ભાગ લીધો છે. ‘પેટા ઈન્ડિયા’ ભૂતકાળમાં નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, માનુષી છિલ્લર, સુનીલ છેત્રી, અનુષ્કા શર્મા, કાર્તિક આર્યન, વિદ્યુત જામવાલ, કંગના રણોત, શાહિદ કપૂર, રેખાને પણ આ એવોર્ડ આપી ચૂકી છે.