અઝાન સામેનો વિરોધ સોનૂ નિગમને હવે દુબઈના કાર્યક્રમ વખતે આડે આવી રહ્યો છે

મુંબઈ – બોલીવૂડ ગાયક સોનૂ નિગમને તેણે ગયા વર્ષે અઝાન વગાડવા વિરુદ્ધ કરેલી અનેક ટ્વીટ્સ હવે આ વર્ષે એના કાર્યક્રમની આડે આવી રહી છે. તે દુબઈમાં એક લાઈવ કોન્સર્ટ કરવાનો છે, પણ એના કોન્સર્ટનો બહિષ્કાર કરવાની એક અપીલ વોટ્સએપ પર ફરી રહી છે.

 

સૂત્રોના જણાવ્યા મુજબ, નિગમ આવતી 12 જાન્યુઆરીના શુક્રવારે દુબઈ ડ્યૂટી ફ્રી ટેનિસ સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મ કરવાનો છે. એ કાર્યક્રમને નામ આપવામાં આવ્યું છે – શુકરાન દુબઈ-2018.

ઉલ્લેખનીય છે કે, સોનૂએ ગયા વર્ષે એવું કહીને વિવાદ જગાવ્યો હતો કે તેના ઘરની બાજુમાં આવેલી એક મસ્જિદના લાઉડસ્પીકરોમાંથી રોજ વહેલી સવારે અઝાન વગાડવામાં આવતી હોવાથી પોતાની ઊંઘ બગડે છે.

નિગમે ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘હું મુસ્લિમ નથી તે છતાં મારે રોજ સવારે અઝાનને કારણે જાગી જવું પડે છે. ભારતમાં આવી ફરજિયાત ધાર્મિકતાનો અંત ક્યારે આવશે?’

દુબઈમાં સોનૂ નિગમ વિરુદ્ધ વોટ્સએપ પર ફરી રહેલો મેસેજ આ પ્રમાણેનો છે, એમાં લખ્યું છેઃ ‘પ્રિય મુસ્લિમ ભાઈઓ અને બહેનો, ભારતીય ગાયક સોનૂ નિગમ 2018ની 12 જાન્યુઆરીએ દુબઈમાં અને 19 જાન્યુઆરીએ કતરમાં લાઈવ પરફોર્મન્સ આપવાનો છે. એના આ કાર્યક્રમનો બહિષ્કાર કરજો અને મુસ્લિમોમાં આ સંદેશો ફેલાવજો, કારણ કે નિગમ મુસ્લિમ-વિરોધી છે અને ઈસ્લામ તથા અઝાનને ધિક્કારે છે.’

આ સંદેશો ઘૂમવા માંડ્યો હોવાથી સોનૂ નિગમના બંને કાર્યક્રમની સફળતા વિશે શંકા ઊભી થઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]