બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કેન્સર છે, ન્યુ યોર્કમાં સારવાર લઈ રહ્યાં છે

મુંબઈ – બોલીવૂડનાં અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કેન્સર થયું છે. સોનાલીએ પોતે જ આ જાણકારી એમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે.

એમણે લખ્યું છે કે ઘણી વાર જિંદગી તમને એવા વળાંક પર લાવીને મૂકી દે છે કે તમે એની ક્યારેય કલ્પના પણ કરી ન હોય. મને હાઈગ્રેડ કેન્સરનું નિદાન થયું છે, જે વિશે અત્યાર સુધી કંઈ ખબર નહોતી. મારો પરિવાર અને મારાં મિત્રો મારી સાથે છે અને મને સહારો આપી રહ્યાં છે. આ બીમારીનાં ઈલાજ માટે હાલ હું ન્યુ યોર્કમાં છું. આ લડાઈ લડી લેવા હું તૈયાર છું.

સોનાલીને ચતુર્થ ગ્રેડનું કેન્સર હોવાનું નિદાન થયું છે. એ એડવાન્સ્ડ તબક્કામાં છે.

સોનાલીને ગયા મહિને ખાર ઉપનગરની હિન્દુજા સર્જિકલ હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમને સ્ત્રીરોગને લગતી સમસ્યા છે.

મુંબઈમાં જન્મેલાં અને મહારાષ્ટ્રીયન પરિવારનાં સોનાલીએ હિન્દી ઉપરાંત મરાઠી, તેલુગુ, તામિલ અને કન્નડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. 2002માં ફિલ્મ નિર્માતા ગોલ્ડી બેહલને પરણનાર સોનાલીને એક પુત્ર છે – રણવીર.

સોનાલીએ 1994માં ‘આગ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એમની અન્ય ફિલ્મો છે – ‘નારાઝ’, ‘ગદ્દાર’, ‘ટક્કર’, ‘રક્ષક’, ‘દિલજલે’, ‘સપૂત’, ‘તરાઝુ’, ‘ડુપ્લીકેટ’, ‘હમ સાથ સાથ હૈં’, ‘સરફરોશ’, ‘ચલ મેરે ભાઈ’ વગેરે. છેલ્લે, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’માં એ મહેમાન કલાકાર તરીકે દેખાયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાનને પણ કેન્સર છે અને તેઓ પણ વિદેશમાં (લંડનમાં) સારવાર લઈ રહ્યા છે. એમને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યૂમર થઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]