‘લગાન’ ફિલ્મના ‘ઈશ્વર કાકા’ શ્રીવલ્લભ વ્યાસનું નિધન

જયપુર – લગાન, સીઆઈડી, સરફરોશ, વેલકમ ટુ સજ્જનપુર, બન્ટી ઔર બબલી જેવી ફિલ્મો તથા ટીવી સિરિયલોમાં ભૂમિકાઓ કરનાર અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનું ગઈ કાલે અહીં નિધન થયું હતું. એ 60 વર્ષના હતા.

અમુક વર્ષો પહેલાં વ્યાસને લકવાનો હુમલો આવ્યો હતો અને ત્યારથી એ પથારીવશ હતા.

શ્રીવલ્લભ વ્યાસના પરિવારમાં એમના પત્ની શોભા તથા બે પુત્રી છે.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ગ્રેજ્યુએટ શ્રીવલ્લભ વ્યાસની અભિનય કારકિર્દી 3 દાયકા જેટલી લાંબી હતી જે દરમિયાન એમણે 60 જેટલી ફિલ્મો તથા ટીવી સિરિયલોમાં ચરિત્ર ભૂમિકાઓ કરી હતી. 1984માં એમણે મુઝે જવાબ દો ટીવી ફિલ્મમાં કામ કર્યું હતું.

2001માં આવેલી આશુતોષ ગોવારીકરની લગાન ફિલ્મમાં વ્યાસે આમિર ખાનના પાત્ર સાથે પ્રેમમાં પડનાર ગૌરીનાં પિતા ઈશ્વર કાકાનો રોલ કર્યો હતો. આમિર ખાન (ભૂવન)ની ક્રિકેટ ટીમમાં એ વિકેટકીપર બન્યા હતા.

વ્યાસ છેલ્લે 2011માં તિગમાંશુ ધુલિયાની ફિલ્મ શાગિર્દમાં દેખાયા હતા.

મુંબઈમાં લકવાગ્રસ્ત વ્યાસની સારવાર મોંઘી પડતી હતી એટલે એમના પરિવારને જયપુરમાં શિફ્ટ થવાની ફરજ પડી હતી.