બર્થડે ગર્લઃ 32 વર્ષની થઈ શ્રદ્ધા કપૂર; બનવું હતું સાઈકોલોજિસ્ટ, બની ગઈ અભિનેત્રી

મુંબઈ – સુંદર બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજે પોતાનો 32મો જન્મદિવસ ઊજવી રહી છે. મુંબઈમાં, 1987ની 3 માર્ચે જન્મેલી શ્રદ્ધા ચરિત્ર અભિનેતા શક્તિ કપૂર અને શિવાંગીની પુત્રી છે.

શ્રદ્ધા બોલીવૂડમાં આજની સુંદર અને યુવા અભિનેત્રીઓમાંની એક છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એ ઝડપથી સફળતા હાંસલ કરીને આગળ વધી રહી છે.

શ્રદ્ધાએ એનું શાળાકીય શિક્ષણ વિલે પારલે (વેસ્ટ)ની જમનાબાઈ નરસી સ્કૂલમાં તેમજ બાદમાં અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાં મેળવ્યું હતું.

કહેવાય છે કે શ્રદ્ધા ભણતી હતી ત્યારે અભિનેતા સલમાન ખાને એને એક નાટકમાં એક્ટિંગ કરતી જોઈ હતી અને તે એનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. એણે શ્રદ્ધાને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી, પણ શ્રદ્ધાએ ના પાડી હતી.

એનું કારણ એ હતું કે શ્રદ્ધાને અભિનેત્રી નહીં, પણ સાઈકોલોજિસ્ટ બનવું હતું.

જોકે નસીબે એને સાઈકોલોજિસ્ટ નહીં, પણ અભિનયના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યો હતો. શ્રદ્ધાને પણ થયું હતું કે એને એક્ટિંગ ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવી જોઈએ. એણે એ માટે એનું ભણતર અધવચ્ચે જ છોડી દીધુ્ં હતું અને નિર્માતા અંબિકા હિંદુજાની ફિલ્મ ‘તીન પત્તી’ સાઈન કરી લીધી હતી.

‘તીન પત્તી’ ફિલ્મમાં શ્રદ્ધાએ કોલેજ ગર્લનું પાત્ર ભજવ્યું હતું. એમાં અમિતાભ બચ્ચન, આર. માધવન અને બેન કિંગ્સલે પણ મહત્ત્વની ભૂમિકાઓમાં હતાં.

શ્રદ્ધાને બોલીવૂડમાં ખરી ઓળખ મળી હતી ‘આશિકી 2’ ફિલ્મથી, જે 2013માં રિલીઝ થઈ હતી. એમાં તે આદિત્ય રોય કપૂર સાથે ચમકી હતી.

શ્રદ્ધાએ અત્યાર સુધીમાં છ હિટ ફિલ્મો આપી છે જેને કારણે એ બોલીવૂડમાં હાલ સફળ અભિનેત્રીઓમાંની એક ગણાય છે.

એણે ‘તીન પત્તી’ ઉપરાંત ‘લવ કા ધ એન્ડ’, ‘આશિકી 2’, ‘એક વિલન’, ‘હૈદર’, ‘એબીસીડી 2’, ‘બાગી’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘રોક ઓન 2’, ‘ઓકે જાનૂ’, ‘હસીના પારકર’, ‘સ્ત્રી’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ ફિલ્મોમાં કામ કર્યું છે. એની આવનારી ફિલ્મો છે – ‘સાહો’, ‘છીછોરે’, ‘સ્ટ્રીટ ડાન્સર’, ‘સાઈના’.

શ્રદ્ધાને એક્ટિંગ ઉપરાંત સિંગિંગનો પણ શોખ છે. એની મમ્મી શિવાંગી કપૂર પણ સારી સિંગર છે.

બહુ ઓછાં લોકોને ખબર હશે કે લતા મંગેશકર સાથે પણ શ્રદ્ધા કપૂર એક સંબંધમાં જોડાયેલી છે. શ્રદ્ધાનાં નાના લતા મંગેશકરનાં પિતરાઈ ભાઈ છે. આમ, સંબંધની દ્રષ્ટિએ શ્રદ્ધા લતા મંગેશકરની દોહિત્રી થાય.

આજે શ્રદ્ધાને એનાં જન્મદિવસે ગિફ્ટના રૂપમાં એની નવી ફિલ્મ ‘સાહો’નાં નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ફિલ્મનાં નિર્માણની અમુક ઝલક દર્શાવતા આ ટીઝરનું શિર્ષક છે ‘શેડ્સ ઓફ સાહો અધ્યાય 2’. આ ફિલ્મમાં તે બાહુબલી ફિલ્મના હિરો પ્રભાસની હિરોઈન બની છે. ફિલ્મમાં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ચંકી પાંડે પણ છે.

httpss://youtu.be/ZtwjxGnkeys

(જુઓ શ્રદ્ધાની ખાસ તસવીરી ઝલક)…

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]