અભિનેત્રી દીપિકા કક્કડ પર એસીડ ફેંકવાની માથાફરેલા શખ્સે ધમકી આપી

મુંબઈ – હાલમાં જ સમાપ્ત થયેલા ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’ની 12મી સીઝનમાં વિજેતા બનેલી ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ-ઈબ્રાહિમ પર એસીડ ફેંકવાની એક શખ્સે ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ ‘બિગ બોસ 12’ના જ એક સ્પર્ધક અને વિવાદાસ્પદ ભૂતપૂર્વ ક્રિકેટર એસ. શ્રીસાન્તનો ચાહક હોવાનું કહેવાય છે.

‘બિગ બોસ 12’ની વિજેતા તરીકે શોનાં સંચાલક સલમાન ખાને દીપિકાને વિજેતા જાહેર કરી હતી ત્યારે ઘણાય લોકો નારાજ થયા હતા, જેઓ ઈચ્છતા હતા કે શ્રીસાન્તને વિજેતા બનાવવો જોઈતો હતો.

ઘણા લોકોએ ‘બિગ બોસ 12’માં દીપિકાનાં વર્તન તથા પ્રત્યેક ટાસ્કને સંભાળવાની એની આવડતની પ્રશંસા કરી હતી, પરંતુ બીજા કેટલાક લોકો એને વિજેતા જાહેર કરાઈ એનાથી નારાજ થયા હતા.

શ્રીસાન્તના અમુક ચાહકો ગુસ્સામાં છે અને સોશિયલ મિડિયા પર દીપિકા વિશે એલફેલ લખી રહ્યાં છે.

એમાંના એક શખ્સે તો દીપિકા પર એસીડ ફેંકવાની ધમકી સુદ્ધાં આપી છે. એણે ટ્વિટર હેન્ડલ પર ધમકી આપી છે.

આ વાત ધ્યાનમાં આવતાં જ દીપિકાનાં એક પ્રશંસકે તરત જ એ માથાફરેલા માણસના ટ્વીટ સાથે મુંબઈ પોલીસને ટેગ કરીને ત્વરિત પગલું લેવાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ‘બિગ બોસ 12’ શો વખતે બિગ બોસ હાઉસમાં દીપિકાએ કોઈ પ્રકારના સ્વાર્થ કે ઈરાદા વગર બધું કામ કર્યું હતું અને સહુને મદદ પણ કરી હતી. એણે શોમાં ક્યારેય કોઈની સાથે ઝઘડો કર્યો નહોતો. શ્રીસાન્ત અને દીપિકા વચ્ચેના બોન્ડને ઘણા લોકોએ પસંદ કર્યો હતો. બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ બંધાઈ ગયો અને સ્વયં દીપિકાએ જ શ્રીસાન્તને કહ્યું હતું કે તું મારો ભાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]