મોદી સાથે ફોટા પડાવનાર સિતારાઓ પર ભડકી આ અભિનેત્રી

નવી દિલ્હી: ‘ફોર મોર શોટ્સ’ અને ‘આર્ટિકલ 15’ ફેમ બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તા દેશની વર્તમાન સ્થિતિને લઈને સતત ટ્વીટ કરી રહી છે. સયાની ગુપ્તાએ નાગરિકતા કાયદાને લઈને પોતાનો પક્ષ રાખ્યો છે અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ સાથે પોલીસની બર્બરતાને લઈને પણ તે સતત ટ્વીટ કરી રહી છે. સયાની ગુપ્તાએ આ વખતે બોલીવુડના એ દિગ્ગજ સિતારાઓ પર નિશાન સાધ્યું છે, જે થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવતા નજર આવ્યા હતાં.

સયાની ગુપ્તાએ પોતાના ટ્વીટમાં રણવીર સિંહ, કરણ જોહર, આયુષ્માન ખુરાના, વિક્કી કૌશલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, અશ્વિની અય્યર તિવારી, એકતા કપૂર, ભૂમિ પેડણેકર, આલિયા ભટ્ટ અને રાજકુમાર રાવને ટેગ કર્યા છે. અને તેમણે જામિયા અને એએમયુના મુદ્દે કંઈક બોલવા કહ્યું છે. જોકે, રાજકુમાર રાવે આ મામલા પર ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.

બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તાએ ટ્વીટ કર્યું કે, જામિયા અને એઅમયુના વિદ્યાર્થીઓ તરફથી હું નિવેદન કરું છું કે તમારામાંથી કોઈ તો શ્રીમોદીને ટ્વીટ કે મેસેજ દ્વારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસની આ બર્બરતાની નિંદા કરવાની અપીલ કરો. બોલવાનો સમય આવી ગયો છે. સાથે અભિનેત્રીએ નરેન્દ્ર મોદી સાથે બોલિવૂડ સ્ટાર્સની એક તસવીર પણ શૅર કરી છે. સયાનીના આ ટ્વીટ પર અનેક લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

થોડા સમય પહેલા બોલીવુડ એક્ટર રાજકુમાર રાવે જામિયા મામલા પર ટ્વીટ કર્યું છે. રાજકુમાર રાવે લખ્યું હતું કે, પોલીસે વિદ્યાર્થીઓ પ્રતિ જે વલણ દેખાડ્યું છે હું એની કડક નિંદા કરું છું. લોકતંત્રમાં નાગરિકો પાસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો અધિકાર છે. હું સાર્વજનિક સંપત્તિને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવાની નિંદા કરું છું. હિંસા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી.