‘સારા અલી ખાનમાં એક્ટિંગના જન્મજાત ગુણ છે’: કરીના કપૂર-ખાન

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અને પટૌડી ખાનદાનની પુત્રવધુ કરીના કપૂર-ખાને એની સાવકી પુત્રી સારા અલી ખાનનાં વખાણ કર્યાં છે અને કહ્યું છે કે સારામાં એક્ટિંગના જન્મજાત ગુણ છે.

લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સ કાર્યક્રમ દરમિયાન કરીનાએ કહ્યું કે એને સાવકી પુત્રી સારા અલી ખાન સાથે ઘણું જ સારું બને છે.

સારા અલીની ‘કેદારનાથ’ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ 7મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એમાં તેનો હિરો સુશાંત સિંહ રાજપૂત છે.

સારાની પહેલી ફિલ્મ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કરીનાએ કહ્યું કે, ફિલ્મ સુપરહિટ જશે એની મને ખાતરી છે, પણ એ વિશે બહુ ચિંતા કર્યા વગર હું કહેવા માગું છું કે સારા એક બોર્ન સ્ટાર છે, એનામાં એક્ટિંગનાં જન્મજાત ગુણ છે.

કરીનાને ‘છોટી મા’ કહીશ તો ગંભીર ચિંતામાં પડી જશેઃ સારા

દરમિયાન, સારા અલીએ કરીના કપૂર-ખાન વિશે પોતાનાં સંબંધ વાતો એક મુલાકાતમાં શેર કરી છે.

‘કોફી વિથ કરન’ શોમાં સારાએ સંચાલક કરણ જોહરના એક સવાલના જવાબમાં કહ્યું કે જો હું કરીનાને ‘છોટી મા’ કહીને બોલાવીશ તો એમને નર્વસ બ્રેકડાઉન થઈ જશે.

‘એમનાં (કરીના) વિશે મને ક્યારેય કોઈ પ્રકારની ગૂંચવણ ઊભી થઈ નથી. મેં ક્યારેય અસ્વસ્થતા અનુભવી નથી. કરીનાએ મને કહ્યું હતું કે એ મારી સાથે મિત્રની જેમ રહેવા ઈચ્છે છે… ‘ એવું સારાએ વધુમાં કહ્યું.

‘કોફી વિથ કરન’ શોમાં સારા એનાં એક્ટર પિતા સૈફ અલી ખાનની સાથે ઉપસ્થિત રહી હતી અને સાવકી માતા કરીના સાથે પોતાને કેવા સંબંધો છે એ વિશે મુક્તપણે વાતચીત કરી હતી.

‘કરીના મને હજી પણ કહે છે કે, જો… તારી પાસે મમ્મી તો છે જ અને બહુ જ સરસ મમ્મી છે. તો આપણે બેઉ મિત્રની જેમ રહીએ એવી મારી ઈચ્છા છે,’ એમ સારાએ વધુમાં કહ્યું હતું.

પિતા સૈફ અલી ખાન વિશે સારાએ કહ્યું કે, મારાં પિતાએ પણ મને ક્યારેય એમ નથી કહ્યું કે આ તારી બીજી મમ્મી છે.

સૈફ અને માતા અમ્રિતા સિંઘ વિશે પૂછતાં સારાએ કહ્યું કે એ બંને જણ હવે ઘણા જ ખુશ છે. બીજા લોકો જે ઈચ્છતા હોય એને માન આપીએ એ ઘણું જ મહત્ત્વનું હોય છે એવું મારું માનવું છે. હું આજે મારાં પિતાને જોઉં છું, મારી માતાને જોઉઁ છું અને બંને જણ સાથે હતા એ વખતે જેટલાં ખુશ રહેતા હતા એના કરતાં અત્યારે વધારે ખુશ રહે છે. એટલે એમની સાથે રહેતા દરેક જણ પણ ખુશ રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]