સલમાન થયો 53 વર્ષનો; બોલીવૂડ હસ્તીઓએ ‘પ્રેમ’ પર વરસાવ્યો શુભેચ્છાનો વરસાદ

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આજે પોતાનો 53મો જન્મદિન ઉજવી રહ્યો છે. ફિલ્મ જગતનાં અનેક સભ્યોએ સોશિયલ મિડિયા પર સલમાન માટે શુભેચ્છા-અભિનંદનનો વરસાદ વરસાવ્યો છે.

આ શુભેચ્છકોમાં સલમાનની સહ-કલાકાર અભિનેત્રીઓ છે, ફિલ્મઉદ્યોગમાંના મિત્રો છે તથા બીજાં અનેક પ્રશંસકો છે. સૌએ બોલીવૂડના ‘પ્રેમ’ અને ‘ભાઈજાન’ને જિંદગીમાં ખુશી, શાંતિ અને દીર્ઘાયુની શુભેચ્છા વ્યક્ત કરી છે.

તો સલમાને બદલામાં મુંબઈ નજીકના પનવેલ શહેરમાં આવેલા પોતાના ફાર્મહાઉસમાં બુધવારે રાતે એના મિત્રો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

પાર્ટીમાં સામેલ થયેલી બોલીવૂડ હસ્તીઓમાં સુસ્મિતા સેન, કેટરીના કૈફ, અનિલ કપૂર, કૃતિ સેનન, સાજિદ-વાજિદ, અમીષા પટેલ, સૂરજ પંચોલી, ડિનો મોરીયા, જિમી શેરગીલ, મહેશ માંજરેકર, રજત શર્મા, સોહેલ ખાન, બાબા સિદ્દિકી, ઝહીર ઈકબાલ, વારિના હુસૈન, દિયા મિર્ઝા, સોનુ સૂદ, સુનીલ ગ્રોવર, મૌની રોયનો સમાવેશ થાય છે.

બાદમાં અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેને સલમાનની બર્થડે ઉજવણી પાર્ટીમાં એની સાથે કરેલા ડાન્સનો વિડિયો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એણે કેપ્શનમાં લખ્યું છે કે, નસીબ કેવું સારું કે 1989માં મૈંને પ્યાર કિયાના પ્રેમને સ્ક્રીન પર જોઈને એનાં પ્રેમમાં પડી હતી અને પછી એની જ સાથે મૈંને પ્યાર ક્યૂં કિયામાં એની હિરોઈન તરીકે કામ કર્યું.

સુસ્મિતાએ લખ્યું છે કે બીઈંગ હ્યુમન તરીકે જીવન માણવાનું જેણે ક્યારેય બંધ કર્યું નથી એ પુરુષને હેપ્પી બર્થડે. વર્ષની શુભેચ્છા અને મારો તને હંમેશાં ખૂબ ખૂબ પ્રેમ.

પ્રીતિ ઝીન્ટાએ પોતાને કાયમ પ્રોત્સાહિત કરવા બદલ સલમાનનો આભાર માન્યો છે.

પ્રીતિએ પોતાનાં શુભેચ્છા સંદેશામાં લખ્યું છે, મારાં સૌથી સેક્સી, સૌથી મીઠડા અને રોકસોલિડ મિત્રને હેપ્પી બર્થડે. હું જેમને ઓળખું છું એ બધાયમાં વધુ માનવીય એવા સલમાનનો આભાર, મને કાયમ પ્રોત્સાહિત કરવા બદલ અને જરૂરિયાતમંદ લોકોનું જીવન ઉત્તમ પ્રકારનું બનાવવા બદલ…

પીઢ પટકથાલેખક સલીમ ખાનના પુત્ર સલમાને એની ફિલ્મી કારકિર્દી સહાયક અભિનેતા તરીકે બીવી હો તો ઐસી ફિલ્મથી શરૂ કરી હતી. એને પહેલો કમર્શિયલ બ્રેક આપ્યો હતો સૂરજ બડજાત્યાએ મૈને પ્યાર કિયા ફિલ્મમાં.

સલમાન બાદમાં ‘હમ આપકે હૈં કૌન’, ‘કરણ અર્જૂન’, ‘બીવી નંબર.1’, ‘હમ સાથ  સાથ હૈં’ વગેરે જેવી ફિલ્મોમાં ચમક્યો હતો અને એનાં પ્રશંસકોની સંખ્યા સતત વધવા માંડી હતી.

ગોલ્ડ ફિલ્મની અભિનેત્રી મૌની રોયે પણ પનવેલમાંની પાર્ટીની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. એણે કેપ્શનમાં લખ્યું છે, એની આજીવન ફેન ગર્લ. મૌનીએ વધુમાં લખ્યું છે કે દરેકનાં જીવનમાં આનંદ અને પ્રેમ લાવનાર સલમાનને શુભેચ્છા.

સલમાન વિશે બીજી હસ્તીઓએ આપેલા શુભેચ્છાસંદેશાઃ

માધુરી દીક્ષિતઃ હેપ્પી બર્થડે સલમાન ખાન. તને હંમેશાં ખૂબ ખૂબ પ્રેમ અને આનંદ મળે.

નીલ નીતિન મુકેશઃ સૌથી પ્રિય એવા સલમાન… તારો જન્મદિવસ આનંદદાયક બની રહે. ઈશ્વર તને તમામ આનંદ આપે.

ડાયના પેન્ટીઃ હેપ્પી બર્થડે સલમાન ખાન. લવ એન્ડ લાફ્ટર ઓલવેઝ.

સોફી ચૌધરીઃ સારાં લોકો મીણબત્તીઓ જેવાં હોય છે… જેઓ પોતે પ્રજ્વલિત રહે અને બીજાંઓને પ્રકાશ આપતી રહે. હેપ્પી બર્થડે સલમાન… સ્ટે હેપ્પી, સ્ટે હેલ્ધી, સ્ટે બ્લેસ્ડ.

રોનિત બોઝ રોય, રેમો ડીસોઝા, અનીસ બઝમીએ પણ સલમાનને બર્થડે વિશ કર્યું છે.