નૂતનની પૌત્રી પ્રનૂતનને બોલીવૂડમાં પ્રવેશ કરાવશે સલમાન

મુંબઈ – દંતકથા સમાન અભિનેત્રી સ્વ. નૂતનની પૌત્રી અને ચરિત્ર અભિનેતા મોહનીશ બહલની પુત્રી પ્રનૂતનને બોલીવૂડમાં બ્રેક અપાવવાનો છે સુપરસ્ટાર સલમાન ખાન.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી ટેલેન્ટને પેશ કરવા માટે સલમાન જાણીતો છે. એ અત્યાર સુધીમાં સોનાક્ષી સિન્હા, ડેઈઝી શાહ, અથિયા શેટ્ટી, સૂરજ પંચોલી, વારિના હુસૈન અને પોતાના બનેવી આયુષ શર્માને લોન્ચ કરી ચૂક્યો છે.

હવે સલમાન એક નવી ટેલેન્ટ – પ્રનૂતન બહલને લોન્ચ કરવાનો છે.

સલમાનની હોમપ્રોડક્શનવાળી આગામી ફિલ્મમાં પ્રનૂતનની સાથે હિરો તરીકે ઝહીર ઈકબાલ હશે, જેની પણ એ પહેલી જ હિન્દી ફિલ્મ હશે.

સલમાને પ્રનૂતનને લોન્ચ કરવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે. એણે પ્રનૂતનનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે: ‘લ્યો, ઝહીરો (ઝહીર ઈકબાલ)ને હિરોઈન મળી ગઈ. વેલકમ કરો પ્રનૂતન બહલને. નૂતનજીની પૌત્રી અને મોન્યાની પુત્રીને મોટા પડદા પર પેશ કરવામાં હું ગર્વની લાગણીનો અનુભવ કરું છું.’

સલમાન નિર્મિત નવી ફિલ્મનું ટાઈટલ હજી નક્કી થયું નથી, પણ એ કશ્મીરની લવ સ્ટોરી પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન નીતિન કક્કડ સંભાળશે.

સલમાન અને મોહનીશ બહલ ત્રણ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે – ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈં કૌન’ અને ‘હમ સાથ સાથ હૈં’.

હું લાગણીવશ થઈ ગઈ છું: પ્રનૂતન

સલમાન ખાન દ્વારા જાહેરાત કરાયા બાદ પ્રનૂતન બહલે કહ્યું કે મેં જ્યારે સાંભળ્યું કે સલમાન ખાન મને લોન્ચ કરવાના છે ત્યારે હું બહુ લાગણીવશ થઈ ગઈ હતી. હું મારાં માતાપિતા અને બહેનને આનંદમાં આવીને ભેટી પડી હતી. હું આ ક્ષણને હંમેશાં યાદ રાખીશ.

httpss://twitter.com/BeingSalmanKhan/status/1041565369758957568

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]