બોલો, અભિષેકની ઓલટાઈમ ફેવરિટ રોમેન્ટિક ફિલ્મ છે ‘હમ દિલ દે ચૂકે સનમ’

મુંબઈ – લગભગ એક દાયકા પહેલાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેનાં રીયલ લાઈફના સંબંધની ચર્ચા જગજાહેર થઈ હતી. બંને વચ્ચેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી પણ દર્શકોને બહુ ગમી હતી. એ વખતે હિન્દી રૂપેરી પડદા પર આ યુગલની બોલબાલા હતી.

હાલમાં જ, એક ચેટ શોમાં, ઐશ્વર્યાનાં અભિનેતા પતિ અભિષેક બચ્ચનને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સૌથી મનપસંદ રોમેન્ટિક ફિલ્મ કઈ? ત્યારે અભિષેકે સવાલ પૂછનારનાં આશ્ચર્ય વચ્ચે કહ્યું કે ‘હમ દિલ દે ચૂકે સનમ’.

સલમાન અને ઐશ્વર્યા અભિનીત અને સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ‘હમ દિલ દે ચૂકે સનમ’ 1999માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર એણે ટંકસાળ પાડી હતી.

અભિષેકે કહ્યું કે, ”હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ મને બહુ જ ગમી હતી. મને યાદ છે, મેં અને બેબો (કરીના કપૂર)એ ‘રેફ્યૂજી’ ફિલ્મ માટેનું શૂટિંગ હજી શરૂ જ કર્યું હતું. અમને ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યાં હતાં. મારે નટરાજ સ્ટુડિયોમાં ત્રણેય ટ્રાયલ વખતે કલાકો સુધી બેઠા રહેવું પડ્યું હતું. એ વખતે મેં આ ફિલ્મ જોઈ હતી, બહુ જ સુંદર ફિલ્મ હતી.’

‘હમ દિલ દે ચૂકે સનમ’માં સલમાન બન્યો છે ઐશ્વર્યાનો પ્રેમી. એ જ ફિલ્મના શૂટિંગ વખતે સલમાન અને ઐશ્વર્યા એકબીજાંની નિકટ આવ્યાં હતાં અને પ્રેમમાં પડ્યાં હતાં. એમનો રોમાન્સ અમુક વર્ષો સુધી ચાલુ રહ્યો હતો અને પછી અચાનક એનો અંત આવી ગયો હતો.

અભિષેકને બીજો સવાલ પૂછવામાં આવ્યો કે ઐશ્વર્યાની કઈ ફિલ્મ તારી ફેવરિટ છે? ત્યારે પણ અભિષેકે કહ્યું કે, ‘મેં એની ઘણી ફિલ્મો જોઈ છે, પણ ‘હમ દિલ દે ચૂકે સનમ’ મને બહુ જ ગમી. એમ તો મને ‘ગુરુ’ અને ‘જોધા અકબર’માં પણ એનો અભિનય બહુ ગમ્યો હતો. ‘ઈરુવર’માં તો એનો અભિનય ઉત્કૃષ્ટ હતો. તે એની સૌપ્રથમ ફિલ્મ હતી. મને એ ફિલ્મ બહુ જ ગમી હતી. ‘રેઈનકોટ’માં પણ એનો અભિનય ઉત્તમ હતો.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]