સલમાન, આલિયા ચમકશે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈંશાઅલ્લાહ’માં

મુંબઈ – અભિનેત્રી આલિયા ભટ્ટને દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે. આ ફિલ્મનું નામ છે ‘ઈંશાઅલ્લાહ’.

આ ફિલ્મમાં આલિયાનો હિરો બનશે સલમાન ખાન.

સલમાન અને આલિયા આ પહેલી જ વાર ફિલ્મ સાથે ચમકશે અને તે પણ રોમાન્સ કરતા જોવા મળશે.

એવી જ રીતે, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનું આલિયાનું સપનું આખરે પૂરું થશે, જે એણે 9 વર્ષની વયે જોયું હતું.

‘ઈંશાઅલ્લાહ’ ફિલ્મમાં સાથે કામ કરવાની જાહેરાત આલિયા અને સલમાન, બંનેએ પોતપોતાનાં ટ્વિટર પેજ પર સાથે કરી છે.

‘ઈંશાઅલ્લાહ’ ફિલ્મની સ્ટોરી શું હશે એ વિશે સોશિયલ મિડિયા પર તર્કવિતર્ક ચાલુ થયા છે, કારણ કે સલમાન અને આલિયા વચ્ચે ઉંમરમાં 30-વર્ષનું અંતર છે.

ભણસાલી આ પહેલાં એમની ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999) ફિલ્મમાં સલમાનને ચમકાવી ચૂક્યા છે. આમ, સલમાન 20 વર્ષ બાદ ફરી ભણસાલીની ફિલ્મમાં કામ કરશે.

કહેવાય છે કે, સલમાન સાથે આ ફિલ્મ કરવી એ ભણસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એ સલમાન ખાનને લઈને કોઈક રોમેન્ટિક ફિલ્મ બનાવવાનું ઘણા વખતથી વિચારતા હતા. હાલ તો આ ફિલ્મના બે કલાકારના નામ પરથી પડદો ઉઠ્યો છે. આ પહેલાં એવી ચર્ચા હતી કે સલમાન સાથે ઐશ્વર્યા રાય-બચ્ચનને ચમકાવવાનું ભણસાલીએ વિચાર્યું હતું, પણ સલમાને એશ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

આલિયાએ ટ્વિટર પર પોતાનો રોમાંચ શેર કરતાં લખ્યું છે કે, ‘ખુલ્લી આંખે સપનું જોવું જોઈએ અને મેં એ જ કર્યું છે. સંજય સર અને સલમાન ખાનનો સાથ મેજિકલ છે. ‘ઈંશાઅલ્લાહ’ની આ ખૂબસૂરત સફરમાં એમની સાથે સામેલ થવાની હું રાહ જોઈ રહી છું.’

એક અન્ય ટ્વીટમાં, આલિયાએ લખ્યું છે કે, ‘હું 9 વર્ષની હતી ત્યારે પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની ઓફિસમાં ગઈ હતી. હું બહુ જ નર્વસ હતી. એવી આશા અને પ્રાર્થના કરતી હતી કે હું એમની નવી ફિલ્મમાં કામ કરીશ. બહુ લાંબો સમય રાહ જોવી પડી.’

‘ઈંશાઅલ્લાહ’ ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષમાં શરૂ થવાની ધારણા છે અને ફિલ્મ 2020માં રિલીઝ થશે એવી સંભાવના છે.

એક પ્રશંસકે સલમાન અને આલિયાની એક જૂની તસવીર પોતાના ટ્વિટર પેજ પર શેર કરી છે, જેમાં સલમાને નાનકડી બાળકી આલિયાને હાથમાં તેડી છે. આ પ્રશંસકે લખ્યું છે કે, ‘કોને ખબર હતી કે એક દિવસ આ બેઉ જણ હિરો-હિરોઈન તરીકે કામ કરશે. #ઈંશાઅલ્લાહ.’

ભણસાલીની છેલ્લી બે ફિલ્મ – ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ સુપરહિટ નીવડી હતી. બંને ફિલ્મમાં એમણે રણવીર સિંહ અને દીપિકા પદુકોણને ચમકાવ્યાં હતાં.

httpss://twitter.com/aliaa08/status/1107877979290390528

httpss://twitter.com/aliaa08/status/1107877792790659072

httpss://twitter.com/BeingSalmanKhan/status/1107876992530042880

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]