સલમાન-આલિયાની ‘ઈન્શાઅલ્લાહ’ ફિલ્મ 2020ની ઈદમાં રિલીઝ નહીં થાય

મુંબઈ – સલમાન ખાન અને આલિયા ભટ્ટને પહેલી જ વાર સાથે ચમકાવનાર હિન્દી ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ને રિલીઝ કરવાનું નિર્માતા-દિગ્દર્શક સંજય ભણસાલીએ મુલતવી રાખ્યું છે. આમ આ જોડીને સ્ક્રીન પર પહેલી જ વાર રોમાન્સ કરતી જોવા માટે ફિલ્મીરસિયાઓએ રાહ જોવી પડશે.

‘ઈન્શાઅલ્લાહ’ ફિલ્મ હોલીવૂડની સુપરહિટ થયેલી ‘પ્રીટી વૂમન’ ફિલ્મથી પ્રેરિત છે.

સલમાન ખાને તેના ટ્વિટર હેન્ડલ પર ‘ઈન્શાઅલ્લાહ’ ફિલ્મની રિલીઝ મુલતવી રખાયાની જાણકારી આપી છે. પણ સાથોસાથ એણે એમ પણ લખ્યું છે કે સંજય ભણસાલી સાથેની ફિલ્મ ભલે મુલતવી રખાઈ છે, પણ 2020ની ઈદમાં આપણે જરૂર મળીશું. ઈન્શા-અલ્લાહ!.

આનો મતલબ એ કે સલમાન એ તહેવારમાં પોતાની કોઈક ફિલ્મ તો ચોક્કસ રિલીઝ કરશે.

થોડાક દિવસો અગાઉ એવા અહેવાલ હતા કે સલમાન અને આલિયાને ‘ઈન્શાઅલ્લાહ’ના શૂટિંગ માટે તારીખો ફાળવવામાં કંઈક તકલીફ પડી છે તેથી ફિલ્મની રિલીઝ લંબાય એવી શક્યતા છે.

અહેવાલો એવા હતા કે સલમાન અને આલિયાનું શૂટિંગ શેડ્યૂલ કદાચ એક મહિનો લંબાશે, એટલે કે ઓગસ્ટને બદલે સપ્ટેંબરમાં શરૂ થશે, પરંતુ હવે એવી વાતો જાણવા મળી છે કે શૂટિંગ શરૂ થવામાં વધારે વિલંબ થશે.

2020ની ઈદમાં નવી ફિલ્મની રિલીઝ વિશે સલમાને જે સંકેત આપ્યો છે એ પરથી એવું લાગે છે કે કાં તો એ ‘કિક 2’ રિલીઝ કરશે અથવા ‘ટાઈગર 3’ની પણ શક્યતા ખરી.

સલમાન અને સોનાક્ષી સિન્હાની ‘દબંગ 3’ આ વર્ષના ડિસેંબરમાં રિલીઝ થવાનું નિર્ધારિત છે. એનું દિગ્દર્શન પ્રભુદેવાએ કર્યું છે. આ ટીમ હાલ જયપુરમાં શૂટિંગમાં વ્યસ્ત છે.

સલમાન-આલિયાની ડ્રીમ જોડીને ચમકાવનાર ‘ઈન્શાઅલ્લાહ’ ફિલ્મના થિએટ્રિકલ રાઈટ્સ રૂ. 190 કરોડમાં વેચાઈ ગયા હોવાનું પણ કહેવાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]