‘પદ્માવતી’ ફિલ્મ અંગે અંતિમ નિર્ણય સેન્સર બોર્ડ જ લેશેઃ પ્રસૂન જોશી

નવી દિલ્હી – સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરમેન પ્રસૂન જોશીએ ભારપૂર્વક જણાવ્યું છે કે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’ને મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય બોર્ડ જ લેશે. જોશીએ એવો ખુલાસો કર્યો છે કે ફિલ્મને જોવા માટે રચવામાં આવેલી વિશેષ સમિતિની ભૂમિકા માત્ર બોર્ડને સલાહ આપવાની છે.

ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડે ફિલ્મનું શિર્ષક ‘પદ્માવતી’ બદલીને ‘પદ્માવત’ કરવા સહિત પાંચ સુધારાનું સૂચન કર્યા બાદ ગઈ 30 ડિસેમ્બરે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપ્યું હતું. ફિલ્મ જોનાર વિશેષ સમિતિના સભ્યોમાં એક સભ્ય તરીકે રાજસ્થાનના એક રાજવી પરિવારના અરવિંદ સિંહ મેવાડ પણ સામેલ હતા. ફિલ્મને લીલી ઝંડી આપવાના સેન્સર બોર્ડના નિર્ણયની મેવાડે ટીકા કરી હતી. એમનું કહેવું છે કે આ ફિલ્મને રિલીઝ કરવી ન જોઈએ. ઈતિહાસની કથા પર આધારિત ફિલ્મો સામે અમારો વિરોધ નથી, પણ એવી ફિલ્મ ઐતિહાસિક તથ્યો પર આધારિત જ હોવી જોઈએ… સેન્સર બોર્ડ ‘પદ્માવતી’ ફિલ્મને રિલીઝ શા માટે કરવા માગે છે કે એ મને સમજાતું નથી.

મેવાડે કહ્યું કે, અમારી સમિતિએ તો આ ફિલ્મને રિલીઝ ન કરવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે. ફિલ્મના નિર્માતાઓ અને બોર્ડ એ વાતથી વાકેફ છે. તે છતાં જો તેઓ ફિલ્મને રિલીઝ કરશે તો એના પરિણામો ભોગવવા એમણે તૈયાર રહેવું પડશે. એ પરિણામો વિશે હું હાલને તબક્કે આગાહી કરવા માગતો નથી.

ભણસાલીએ 16મી સદીના કવિ પદ્માવતની રચનાને આધાર તરીકે ગણીને ‘પદ્માવતી’ ફિલ્મ બનાવી છે જેમાં દીપિકા પદુકોણ શિર્ષક ભૂમિકામાં છે. અન્ય મહત્વની ભૂમિકામાં રણવીર સિંહ અને શાહિદ કપૂર પણ છે. ફિલ્મમાં એ વાર્તા રજૂ કરવામાં આવી છે કે મુગલ રાજા અલાઉદ્દીન ખિલ્જી રાજપૂત રાણી પદ્માવતી પર લટ્ટુ થયો હતો અને એને હાંસલ કરવા માટે એણે ચિત્તોડ પર ચઢાઈ કરી હતી. રાણી પદ્માવતીને એક કાલ્પનિક પાત્ર તરીકે ગણાવવામાં આવી છે, પણ અમુક રાજપૂત જૂથોએ એવો દાવો કરીને અવારનવાર હિંસક દેખાવો કર્યા છે કે નિર્માતાઓએ ઈતિહાસ સાથે ચેડાં કર્યા છે અને રાજપૂત સમુદાયના ગૌરવને હાનિ પહોંચાડી છે.