માથાનાં સફેદ વાળની અફવાઓ વિશે રિશી કપૂરે ખુલાસો કર્યો

ન્યુ યોર્ક – બોલીવૂડ એક્ટર રિશી કપૂર હાલ કોઈક તબીબી સારવાર માટે અહીં આવ્યા છે. માથાનાં સફેદ વાળ સાથે એમના ચહેરાવાળી અમુક તસવીરો સોશિયલ મિડિયા પર ફરતી દેખાયા બાદ અનેક પ્રકારના તર્કવિતર્ક થયા છે.

રિશીએ એ વિશે સ્પષ્ટતા કરી છે કે એમના માથાનાં સફેદ વાળને એમના આરોગ્ય સાથે કોઈ લેવાદેવા નથી. આ તો એમના લૂકનો એક ભાગ છે, જે લૂક તેઓ એમની એક આગામી ફિલ્મમાં દર્શાવવાના છે.

અમેરિકામાં અભિનેત્રીઓ સોનાલી બેન્દ્રે તથા પ્રિયંકા ચોપરા સાથે સફેદ વાળવાળા રિશી કપૂરની તસવીરોને કારણે સોશિયલ મિડિયા પર એવી અફવા ફેલાઈ છે કે રિશી કપૂરને કોઈક મોટી બીમારી લાગુ પડી છે.

રિશીએ ટ્વિટર પર જણાવ્યું છે કે મારા માથાનાં વાળ કંઈ ઓચિંતા સફેદ નથી થયા. આ તો એક આગામી ફિલ્મમાં મારા લૂકને ખાતર વાળ પર ડાઈ કરાવી છે. મારા વાળને અવાન કોન્ટ્રાક્ટરે ડાઈ કરી આપી છે. નવી ફિલ્મનું ટાઈટલ હજી નક્કી કરાયું નથી. એના દિગ્દર્શક હિતેશ ભાટિયા છે અને હની ત્રેહન તથા સોની પિક્ચર્સ એના પ્રોડ્યૂસર્સ છે. ફિલ્મમાં મારા રોલનું કામ પૂરું થયા બાદ મારા માથાના વાળ ફરી મૂળ કલરમાં આવી જશે.

રિશી કપૂર અમેરિકા રવાના થયાના બીજા-ત્રીજા જ દિવસે, 1 ઓક્ટોબરે મુંબઈમાં એમના માતા ક્રિષ્ના કપૂરનું નિધન થયું હતું. એને કારણે તેઓ માતાના અંતિમ સંસ્કાર વખતે હાજર રહી શક્યા નહોતા. એમની સાથે એમના પત્ની નીતુ સિંહ-કપૂર પણ અમેરિકા આવ્યા છે.

રિશીના મોટા ભાઈ રણધીર કપૂરે પીટીઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે રિશીની તબિયત સારી છે. એ કોઈક દુખાવાને કારણે સારવાર લેવા માટે અમેરિકા ગયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]