બોલીવૂડ-ડ્રગ્સ માફિયા કેસઃ ચાર્જશીટમાં રિયા-સહિત 33નાં નામ

મુંબઈઃ દેશમાં કેફી દ્રવ્યોના વ્યસનને લગતા કેસોમાં તપાસ કરતી કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત બોલીવૂડ-ડ્રગ્સ માફિયા કેસની તપાસમાં 12,000 પાનાંની ચાર્જશીટ અત્રે વિશેષ NDPS કોર્ટમાં નોંધાવી છે. ચાર્જશીટમાં બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી, એનાં ભાઈ શોવિક ચક્રવર્તી તથા અન્ય 31 જણનાં નામ સામેલ કરાયા છે.

એનસીબી દ્વારા કેસમાં તપાસ પૂરી કરી દેવાતાં ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે. 34 વર્ષીય સુશાંત ગયા વર્ષની 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) સ્થિત તેના ભાડેથી લીધેલા ડુપ્લેક્સ ફ્લેટમાં મૃત અવસ્થામાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તરફથી જણાવાયા બાદ એનસીબી એજન્સીએ સુશાંત ભેદી મૃત્યુ કેસના સંબંધમાં બે કેસમાં તપાસ કરી છે. એનસીબીએ જે 33 જણ સામે આરોપનામું નોંધાવ્યું છે એમાંના 25 જણને કોર્ટે જામીન પર છોડ્યા છે. બાકીના 8 જણને અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સુશાંતસિંહના ભૂતપૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, ઘરનોકર દિપેશ સાવંત, ડ્રગ્સના દાણચોર અનુજ કેશવાની, ધર્મા પ્રોડક્શન કંપનીના ભૂતપૂર્વ એક્ઝિક્યૂટિવ નિર્માતા ક્ષિતિજ પ્રસાદ, બે કોલેજ વિદ્યાર્થી, બોલીવૂડ એક્ટર અર્જુન રામપાલની સાઉથ આફ્રિકન ગર્લફ્રેન્ડ અને એના ભાઈ સહિત બે વિદેશી નાગરિકનું પણ આરોપનામામાં નામ છે.