ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયા બીજી વાર પરણ્યા; આ વખતે લિવ-ઈન ગર્લફ્રેન્ડ સોનિયાને પત્ની બનાવી

મુંબઈ – બોલીવૂડમાં આજકાલ લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે.

અનિલ કપૂરની પુત્રી સોનમ અને અભિનેત્રી નેહા ધુપીયાએ અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા બાદ હવે જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાએ પણ લગ્ન કરી લીધા છે.

સોનમનાં લગ્નની તો અગાઉથી જાહેરાત કરી દેવામાં આવી હતી, પણ નેહા-અંગદે લગ્ન કરી લીધાં બાદ જાહેરાત કરી હતી. હવે આજે એવી જ રીતે, રેશમિયાએ પણ એમની લિવ-ઈન પ્રેયસી અને અભિનેત્રી સોનિયા કપૂર સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે.

હિમેશ-સોનિયાનાં લગ્નમાં એમનાં ખાસ આમંત્રિતો જ હાજર રહ્યા હતા. આ લગ્ન રેશમિયાના અત્રેના નિવાસસ્થાને યોજવામાં આવ્યા હતા.

‘આશિક બનાયા આપને’ અને ‘તેરા સુરૂર’ ફિલ્મોના સંગીતકાર રેશમિયાના આ બીજા લગ્ન છે. પહેલી પત્ની કોમલને એમણે છૂટાછેડા આપી દીધા છે. એમનું લગ્નજીવન બે દાયકાનું રહ્યું હતું. બંનેનાં છૂટાછેડાને મુંબઈની કોર્ટે ગયા વર્ષે માન્ય રાખ્યા હતા.

આજે સોનિયા સાથેના લગ્ન વખતે રેશમિયાના માતા-પિતા તથા કોમલથી થયેલો પુત્ર સ્વયં હાજર રહ્યા હતા.

કોમલે ગયા વર્ષે કહ્યું હતું કે રેશમિયા સાથેના લગ્નજીવનના વિચ્છેદ માટે સોનિયા કપૂર જવાબદાર નથી.

સોનિયા ટીવી અભિનેત્રી છે. એ ‘કૈસા યે પ્યાર હૈ’, ‘જુગ્ની ચલી જલંધર’, ‘યસ બોસ’ અને ‘રીમીક્સ’માં અભિનય કરી ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]