અમિતાભ બચ્ચનનો ફોટો જોઈને રેખાએ વ્યક્ત કરેલા પ્રત્યાઘાતે રમૂજ ફેલાવી

મુંબઈ – સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની દર વર્ષે ફિલ્મ કલાકારોને ચમકાવતું અંગ્રેજી કેલેન્ડર રિલીઝ કરવા માટે જાણીતા છે. આ વખતે પણ એમણે પોતાનું વિશેષ કેલેન્ડર બહાર પાડ્યું છે. એની ઉજવણી માટે એમણે સોમવારે રાતે મુંબઈમાં પાર્ટી રાખી હતી.

પાર્ટીમાં ટાઈગર શ્રોફ, વિદ્યા બાલન, ટ્વિન્કલ ખન્ના, કૃતિ સેનન, કિઆરા અડવાની, કાર્તિક આર્યન, સન્ની લિયોની, અંકિતા લોખંડે સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી.

એ કાર્યક્રમમાં પીઢ અભિનેત્રી રેખા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વખતે એ એમનાં હંમેશ વખતનાં કાંજીવરમ સાડી અને ગજરા પરિધાનને બદલે સ્ટાઈલીશ ઓલ-બ્લેક આઉટફીટમાં અને ગોગલ્સ સાથે સજ્જ થઈને આવ્યાં હતાં. ફોટોશૂટ વખતે એક ક્ષણ એવી આવી ગઈ કે પોતાનાંથી ‘ભૂલ’ થઈ ગઈ હોય એવો એમણે પ્રત્યાઘાત દર્શાવ્યો હતો, પણ એમાંથી ફોટોગ્રાફરોમાં રમૂજ ફેલાઈ હતી.

ફોટોગ્રાફરોને પોઝ આપવા માટે રેખા ઊભાં રહી ગયાં હતાં. એમની પાછળની દીવાલ પર અનેક કલાકારોની તસવીરો હતી અને એમાંની એક તસવીર અમિતાભ બચ્ચનની હતી. રેખાની જાણ વગર એ અમિતાભ બચ્ચનની મોટી તસવીરની આગળ આવીને ઊભાં રહી ગયાં હતાં. એક ફોટોગ્રાફરે ધ્યાન દોરતાં રેખાએ પાછળ ફરીને જોયું હતું અને અમિતાભની તસવીર પર નજર પડતાં એ તરત જ ત્યાંથી રવાના થઈ ગયાં હતાં. એ દ્રશ્ય જોનારાઓ ખડખડાટ હસી પડ્યાં હતાં.

એ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યો છે અને વાયરલ થયો છે.

અમિતાભ બચ્ચને રત્નાનીનાં કેલેન્ડર માટે પોઝ આપ્યો છે. એમનો પુત્ર અભિષેક અને પુત્રવધુ ઐશ્વર્યા રાય પણ કેલેન્ડરમાં સાથે ચમક્યાં છે.