દર્શકો પર કૂદવાનો સ્ટન્ટ રણવીર સિંહને ભારે પડ્યો; કેટલાક દર્શકોને ઈજા થઈ

મુંબઈ – જેની નવી હિન્દી ફિલ્મ ‘ગલી બોય’ આવી રહી છે તે અભિનેતા રણવીર સિંહ અહીં લેક્મે ફેશન વીક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને ત્યાં એણે એની આ ફિલ્મના એક ગીત પર પરફોર્મ કર્યું હતું અને ગીતના અંતે એ પ્રશંસકોની ભીડ પર કૂદ્યો હતો. પણ એને કારણે અમુક જણ ઘાયલ થયા હતા.

એ લોકો પરફોર્મ કરતા રણવીરને એમના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી રહ્યાં હતાં.

રણવીર સિંહે પડતું મૂકતાં કેટલીક મહિલાઓ નીચે પડી ગઈ હતી. એમને વાગ્યું હતું. મિડ-ડે અખબારે અમુક તસવીરો રિલીઝ કરી છે.

સોશિયલ મિડિયાનાં યુઝર્સે રણવીર સિંહના આ સ્ટન્ટની ઝાટકણી કાઢી છે.

એક જણે લખ્યું કે, ‘રણવીર હવે મોટો થા અને આવી છોકરમત કરવાનું બંધ કર.’

રણવીર સિંહ અભિનીત ‘ગલી બોય’ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. એમાં એની હિરોઈન છે આલિયા ભટ્ટ. ફિલ્મની દિગ્દર્શિકા છે ઝોયા અખ્તર.