આવે છે ‘ડોન 3’; શાહરૂખનો રોલ મેળવવામાં રણવીર સિંહ સફળ

મુંબઈ – અમિતાભ બચ્ચન અભિનીત સુપરહિટ ફિલ્મ ‘ડોન’ની રીમેક આવી ગયા બાદ રીમેકની પણ સીક્વલ આવી ગઈ. બંને રીમેક-સીક્વલમાં લીડ રોલ ભજવ્યો હતો શાહરૂખ ખાને.

ફરહાન અખ્તરની ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘ડોન’ની ત્રીજી આવૃત્તિમાં શાહરૂખ જોવા નહીં મળે અને એનું સ્થાન લીધું છે રણવીર સિંહે, એવા અખબારી અહેવાલો છે.

ફરહાન અખ્તરની ‘ડોન’ સીરિઝની પહેલી ફિલ્મ 2006માં આવી હતી. એમાં શાહરૂખ અને પ્રિયંકા ચોપરાની મુખ્ય ભૂમિકા હતી. એમાં અર્જુન રામપાલ અને બમન ઈરાનીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

‘ડોન 2’ 2011માં આવી હતી અને એમાં પણ શાહરૂખ, પ્રિયંકા હતાં. ઉપરાંત લારા દત્તાએ પણ એક મહત્ત્વની ભૂમિકા કરી હતી.

હવે એવું જાણવા મળ્યું છે કે ‘ડોન’ સીરિઝનાં નિર્માતાઓ હવે ત્રીજી ફિલ્મ બનાવવાની તૈયારીમાં લાગી પડ્યા છે. એ માટેની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યા છે. મુખ્ય ફેરફાર એ હશે કે શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હશે. રણવીરની હિરોઈન તરીકે કેટરીના કૈફનું નામ ચર્ચામાં છે.

‘ડોન 3’ ક્યારે પૂરી થશે એ વિશે નિર્માતાઓ ચોક્કસ નથી, પણ એટલું કહે છે કે દર્શકોને તેઓ નિરાશ નહીં કરે.

‘ડોન 3’માં શાહરૂખ કેમ નહીં? તો આ સવાલનો જવાબ એ છે કે શાહરૂખે પોતે જ આ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. પોતાની ‘ઝીરો’ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતાં શાહરૂખે હવેથી કોઈ પણ ફિલ્મની સીક્વલમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. આમ, શાહરૂખના ઈનકાર બાદ નિર્માતાઓએ ‘ડોન 3’ માટે રણવીર પર પસંદગી ઉતારી છે. રણવીરની છેલ્લી બે ફિલ્મ હિટ ગઈ છે – ‘સિમ્બા’ અને ‘ગલી બોય’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]