રણવીર, દીપિકાનાં લગ્ન સંપન્ન; બંને જણ હવે પતિ-પત્ની છે

લેક કોમો (ઈટાલી) – બોલીવૂડ કલાકારો – અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પદુકોણ અહીં આજે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. આ સાથે જ બંને જણ હવે પતિ-પત્ની બની ગયાં છે.

બંનેએ લેક કોમો ખાતે વિલા ડેલ બેલબીનેલો ખાતે આયોજિત લગ્નસમારંભમાં પરંપરાગત ચિત્રપુર સારસ્વત વિધિ અનુસાર લગ્ન કર્યાં છે.

દીપિકા કર્ણાટકની સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની છે અને એની માતૃભાષા કોંકણી છે.

લગ્ન પ્રસંગે બંનેનાં પરિવારજનો તથા અમુક ખાસ મિત્રો જ હાજર હતા.

‘પદ્માવત’ ફિલ્મની અભિનેત્રી દીપિકાએ લગ્ન વખતે ફેશન ડિઝાઈનર સબ્યાસાચી દ્વારા નિર્મિત વ્હાઈટ-એન્ડ-ગોલ્ડ રંગની સાડી પહેરી હતી જ્યારે રણવીર કાંજીવરમ શેરવાનીમાં સજ્જ થયો હતો.

હવે બંને જણ 15 નવેમ્બરના ગુરુવારે સિંધી રિવાજ અનુસાર લગ્ન કરશે. રણવીર સિંધી સમાજનો છે.

રણવીર-દીપિકાએ 12 નવેમ્બરના સોમવારે સાંજે સગાઈ કરી હતી. બંનેએ એકબીજાને વીંટી પહેરાવી હતી. દીપિકાનાં પિતા પ્રકાશ પદુકોણે રિવાજ અનુસાર, વરરાજા રણવીરના પગ ધોયા હતા અને એને હાથમાં નાળિયેર આપ્યું હતું.

રણવીર અને દીપિકા 16 નવેમ્બરે ભારત પાછા ફરે એવી ધારણા છે.

નવદંપતી ત્યારબાદ બેંગલુરુ અને મુંબઈમાં રીસેપ્શન યોજશે. બેંગલુરુ દીપિકાનું વતન શહેર છે. ત્યાં 21 નવેમ્બરે લીલા પેલેસ હોટેલમાં રીસેપ્શન યોજાશે અને 28 નવેમ્બરે મુંબઈમાં ગ્રેન્ડ હયાતમાં રીસેપ્શન યોજાશે.

મહેમાનોને વિનંતી કરવામાં આવી છે કે એમણે એમની ભેટસોગાદો ડોનેશનના રૂપમાં દીપિકાની સંસ્થા ‘લાઈવ લવ લાફ ફાઉન્ડેશન’ને આપવી. આ સંસ્થા માનસિક આરોગ્ય અંગે જનજાગૃતિ માટે કામ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]