પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનસે ગિફ્ટમાં આપી રૂ. સવા બે કરોડની મર્સિડીઝ-મેબેક

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અને હવે અમેરિકાના જોનસ પરિવારની વહુ પ્રિયંકા ચોપરાને એનાં પતિ નિક જોનસે ગિફ્ટમાં નવીનક્કોર, કાળા રંગની મર્સિડીઝ-મેબેક કાર આપી છે. આ કારની કિંમત આશરે બે લાખ ડોલર (આશરે બે કરોડ 25 લાખ રૂપિયા) છે.

આ મર્સિડીઝ-મેબેક S560 4Matic કાર નિકે પોતાના નવા મ્યુઝિક આલબમને મળેલી જ્વલંત સફળતાથી ખુશ થઈને પત્ની પ્રિયંકાને ગિફ્ટમાં આપી છે. નિક એટલે નિકોલસ જેરી જોનસ અમેરિકાનો જાણીતો પોપ ગાયક ઉપરાંત ગીતકાર અને અભિનેતા છે.

સાસરા માટે પ્રિયંકા લકી બની છે.

નિક જોનસના આલબમ ‘સકર’ને અમેરિકી ‘બિલબોર્ડ હોટ-100’માં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે. એની ખુશીમાં નિકે પ્રિયંકાને ઝમકદાર કાર આપી છે.

પ્રિયંકાએ આ કાર સાથે તેની અને નિકની બે તસવીર પોતાના સોશિયલ મિડિયા પર શેર કરી છે. પહેલી તસવીરમાં બેઉ જણ કારની સામે ઊભા છે અને એકબીજાંને કિસ કરે છે. બીજી તસવીરમાં નિકના એક હાથમાં શેમ્પેનની બોટલ છે અને બીજા હાથમાં ગ્લાસ છે. જ્યારે પ્રિયંકાનાં એક હાથમાં ગ્લાસ અને બીજા હાથમાં એણે પાલતુ ગલુડિયાને પકડ્યું છે.

તસવીર સાથે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે પતિ નંબર-વન પર પહોંચે છે ત્યારે પત્નીને મેબેક મળે છે. પેશ છે… એક્સ્ટ્રા ચોપરા જોનસ. લવ યૂ બેબી. સૌથી ઉત્તમ પતિ નિક જોનસ’.

નિક જોનસ અને એના બીજા બે ભાઈ – કેવીન અને જૉએ સાથે મળીને મ્યુઝિક બેન્ડ બનાવ્યું છે.
‘સકર’ ગીતનો વિડિયો આ મહિનાના આરંભમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. જોનસ બંધુઓનાં બેન્ડની રચના 2005માં કરવામાં આવી હતી. આ બેન્ડે ‘બર્નિંગ અપ’, ‘હોલ્ડ ઓન’ અને ‘ફ્લાય વિથ મી’ જેવા ગીતો બનાવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]