મેઘન માર્કલનાં લગ્નમાં પ્રિયંકા હાજર રહેશે એની સહેલી તરીકે

લંડન – બ્રિટનના શાહી પરિવારના સભ્ય પ્રિન્સ હેરી અને અમેરિકી અભિનેત્રી મેઘન માર્કલ આવતી 19 મેએ લંડનમાં લગ્નગ્રંથિથી જોડાવાનાં છે. એ પ્રસંગે બ્રિટન અને દુનિયાભરમાંથી મોંઘેરા મહેમાનો હાજર રહેશે. એમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પણ સામેલ હશે. જોકે પ્રિયંકાએ હજી સુધી આ વિશે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

અહેવાલો અનુસાર, પ્રિયંકા તો કન્યા મેઘનની માંડવિયેણ (અપરિણીત સહેલી) તરીકે હાજર રહેવાની છે. જેમ લગ્નમાં વરની તહેનાત સાચવતો એનો અંગત સગો કે મિત્ર અણવર કહેવાય એમ, કન્યાની સહેલીને ગુજરાતીમાં માંડવિયેણ કહેવાય.

શાહી લગ્ન સમારંભ વિન્ડસર કેસલમાં સેન્ટ જ્યોર્જીસ ચેપલમાં યોજાવાનો છે. બોલીવૂડની પ્રિયંકા ચોપરા એમાં હાજર રહેશે એ સમાચાર પણ એટલા જ રોમાંચક છે.

પ્રિયંકા અને મેઘન ગાઢ સહેલીઓ છે.

એવા અહેવાલો છે કે પ્રિયંકા હાલમાં જ લંડન ગઈ હતી અને માંડવિયેણ તરીકે એની ભૂમિકાનું ડ્રેસ રીહર્સલ કર્યું હતું.

‘બેવોચ’માં ચમકેલી પ્રિયંકા ચોપરા હાલમાં જ લંડનની શેરીઓમાં ચાલતી જોવા મળી હતી. એ બહુ જ ખુશમિજાજમાં લાગતી હતી. બાદમાં એવી અટકળો એવી વહેતી થઈ કે એ કન્યા મેઘનની સહેલી તરીકે પોતાની કામગીરીનાં ડ્રેસ રીહર્સલ માટે લંડનમાં આવી હતી.