પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી બ્રાન્ડ સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો

મુંબઈ – અબજોપતિ જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદીની બ્રાન્ડ માટે એક જાહેરખબરમાં ચમકેલી બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હવે મોદી સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. પંજાબ નેશનલ બેન્ક સાથેની છેતરપીંડીના કેસમાં નીરવ મોદી સામે આક્ષેપો કરાયા એને પગલે પ્રિયંકાએ કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે.

અગાઉ આ મહિને, જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્કે જાહેર કર્યું હતું કે એની સાથે રૂ. 11,400 કરોડની છેતરપીંડી કરવામાં આવી છે જેમાં નીરવ મોદીએ અન્ય ભારતીય બેન્કો પાસેથી ઓવરસીઝ ક્રેડિટ પ્રાપ્ત કરવા માટે મુંબઈમાં પીએનબીની એક શાખામાંથી કથિતપણે છેતરપીંડી કરીને લેટર્સ ઓફ અન્ડરટેકિંગ મેળવ્યા હતા.

પ્રિયંકાનાં પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, નીરવ મોદી સામેના આક્ષેપોને પગલે પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી બ્રાન્ડ સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ રદ કરવાનું પસંદ કર્યું છે.

પ્રિયંકાએ અગાઉ સહ-કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નીરવ મોદી બ્રાન્ડ માટેની ટીવી જાહેરખબરમાં કામ કર્યું હતું. સિદ્ધાર્થનું કહેવું છે કે નીરવ મોદી બ્રાન્ડ સાથે પોતાનો કોન્ટ્રાક્ટ તો ક્યારનો પૂરો થઈ ગયો છે અને પોતે એની સામે કોઈ પ્રકારનું કાનૂની પગલું ભરવાનો નથી.

અન્ય બોલીવૂડ અભિનેત્રી બિપાશા બાસુ પણ નીરવ મોદીના મામા મેહુલ ચોક્સીની માલિકીની ગીતાંજલી જેમ્સ કંપનીની એક જાહેરખબરમાં ચમકી હતી. એણે દાવો કર્યો છે કે ગીતાંજલી સાથેના પોતાના કોન્ટ્રાક્ટની મુદત પૂરી થઈ ગઈ હતી તે છતાં એણે મારી તસવીરોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.