પ્રિયંકા ચોપરા બાંગલાદેશમાં રોહિંગ્યા નિરાશ્રીતોને મળી

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ બાંગ્લાદેશની ચાર દિવસની મુલાકાતે ગઈ છે અને આજે તે કોક્સ બાઝાર વિસ્તારમાં એક રેફ્યૂજી કેમ્પ (નિરાશ્રીતોની શિબિર)ની મુલાકાતે ગઈ હતી અને ત્યાં રહેતા રોહિંગ્યા સમાજના લોકોને મળી હતી.

પ્રિયંકા યુનિસેફ સંસ્થાની ગુડવિલ એમ્બેસેડર પણ છે.

પ્રિયંકા આજે બપોરે કોક્સ બાઝાર જિલ્લાના તેકનાફ નગરમાં શામલાપુર કેમ્પ ખાતે ગઈ હતી. ત્યાં રોહિંગ્યા લોકોએ આશરો લીધો છે. તેઓ મ્યાનમારથી આવ્યા છે.

પ્રિયંકા બ્રિટનમાં પ્રિન્સ હેરી અને અમેરિકન અભિનેત્રી મેઘન માર્કલનાં લગ્નમાં હાજરી આપ્યા બાદ આજે સવારે ઢાકા ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ત્યાંથી એ યુએસ-બાંગ્લાની ફ્લાઈટમાં બેસીને બપોરે 12.30 વાગ્યે કોક્સ બાઝાર પહોંચી હતી.

પ્રિયંકા રેફ્યૂજી કેમ્પ ખાતે જતા પહેલાં સંયુક્ત રાષ્ટ્રોની એજન્સી યુનિસેફના સ્થાનિક કાર્યાલયે ગઈ હતી.

શિબિર ખાતે એણે જુદા જુદા બ્લોક્સમાં રહેતા રોહિંગ્યા બાળકોની સાથે વાતચીત કરી હતી. એણે મિડિયાકર્મીઓ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, 2017ના અંત ભાગમાં મ્યાનમારના રખીને રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળતાં સાત લાખ જેટલા રોહિંગ્યા લોકો સરહદ પાર કરીને બાંગ્લાદેશમાં આવી ગયા હતા. એમાં 60 ટકા બાળકો છે.

આ બાળકો સહિતના નિરાશ્રીતો ખૂબ જ ગીચ શિબિરોમાં રહે છે. એમને કંઈ જ ખબર નથી કે તેઓ ક્યારે અને કેવી રીતે કયા સમાજના બનીને રહેશે. એટલું જ નહીં, એમને હવે પછીનું ભોજન મળશે કે નહીં એની પણ ખાતરી હોતી નથી.

પ્રિયંકા ચાર દિવસ માટે બાંગ્લાદેશ ગઈ છે. ગુરુવારે પોતાની મુલાકાત પૂરી કરતાં પહેલાં એ મંગળવારે બલુખાલી અને જમતાલી રેફ્યૂજી કેમ્પ્સની મુલાકાતે જશે અને બુધવારે કુતુપાલોંગ રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પની મુલાકાતે જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]