‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિક ફિલ્મઃ મનોજ જોશી બનશે અમિત શાહ

0
1401

મુંબઈ – દિગ્દર્શક ઓમંગ કુમારની આગામી ફિલ્મનું શિર્ષક છે ‘પીએમ નરેન્દ્ર મોદી’. આ ફિલ્મ એમનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એનું શૂટિંગ શરૂ પણ થઈ ગયું છે અને તમામ કલાકારોની પસંદગી પણ થઈ ગઈ છે.

ફિલ્મમાં વડા પ્રધાન મોદીની ભૂમિકા વિવેક ઓબેરોય ભજવવાનો છે એ તો હવે જાણીતી વાત છે, પણ ટીવી, ફિલ્મ અને રંગભૂમિના જાણીતા અભિનેતા મનોજ જોશીને ભાજપપ્રમુખ અમિત શાહનું પાત્ર ભજવવા માટે પસંદ કરવામાં આવ્યા છે.

મનોજ જોશીને અમિત શાહ તરીકે દર્શાવતી પ્રથમ તસવીરો જાહેર કરવામાં આવી છે અને જોશી આ લૂકમાં ઘણા જામે છે. જાણીતા ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ તસવીરો શેર કરી છે.

આ બાયોપિક ફિલ્મમાં વિવેક ઓબેરોય અને મનોજ જોશી ઉપરાંત દર્શન કુમાર, બમન ઈરાની, ઝરીના વહાબ, બરખા બિશ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ગુપ્તા, યતીન કાર્યેકર, પ્રશાંત નારાયણન અને અક્ષત સલુજા જેવા કલાકારો પણ છે.

ફિલ્મનું નિર્માણ વિવેકના પીઢ અભિનેતા પિતા સુરેશ ઓબેરોય અને સંદિપ સિંહ કરી રહ્યા છે.

એક સામાન્ય પરિવારના કિશોરથી લઈને ગુજરાતના મુખ્ય પ્રધાન અને 2014ની લોકસભા ચૂંટણી જીતીને આખરે  વડા પ્રધાન બનીને દેશની સેવા બજાવવાની મોદીના જીવનની ઐતિહાસિક સફરને ફિલ્મ સ્વરૂપે પડદા પર રજૂ કરવામાં આવશે.