વાંધાજનક કમેન્ટના કેસમાં પાયલ રોહતગીનો જામીન પર છૂટકારો

જયપુર – ગઈ કાલે જેને રાજસ્થાનના બુંદી શહેરની મેટ્રોપોલિટન કોર્ટે 24 ડિસેંબર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી આપી હતી તે ટીવી અને રિયાલિટી શોની અભિનેત્રી પાયલ રોહતગીને આજે જામીન પર મુક્ત કરવામાં આવી છે.

બુંદી શહેરની એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ કોર્ટે રૂ. 25 હજારની રકમના પર્સનલ બોન્ડ પર પાયલની જામીન અરજીનો સ્વીકાર કર્યો હતો.

બે મહિના અગાઉ નેહરુ-ગાંધી પરિવાર વિશે એક વાંધાજનક પોસ્ટ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવાના ગુનાસર પાયલની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી અને એને કોર્ટે એને અદાલતી કસ્ટડીમાં મોકલી દીધી હતી.

પાયલ વિરુદ્ધ રાજસ્થાનનાં ચર્મેશ શર્મા નામના એક કોંગ્રેસી કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી હતી. એમણે આરોપ મૂક્યો હતો કે પાયલે એનાં ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર નેહરુ અને ગાંધી પરિવારનાં સભ્યો વિશે એક વાંધાજનક વિડિયો પોસ્ટ કર્યો હતો.

પોલીસે પાયલ સામે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 504 અને 502 (2) અંતર્ગત કેસ નોંધ્યો હતો અને તપાસ આદરી હતી.

સિનિયર વકીલોનાં જણાવ્યા મુજબ, પાયલ જો આ કેસમાં કસુરવાર ઠરે તો એને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ બિન-જામીનપાત્ર ગુનો હોવાથી પોલીસ એને જામીન આપી શકે નહીં.

કોંગ્રેસી કાર્યકર્તાની ફરિયાદને પગલે બુંદી શહેરની પોલીસે પાયલને તપાસ-પૂછપરછ માટે હાજર થવા માટે નોટિસ મોકલી હતી. અનેક નોટિસો મોકલવા છતાં પાયલ હાજર થઈ નહોતી. એને ઈમેલ અને ટપાલ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. તેમજ એક પોલીસ ટૂકડીને એનાં મુંબઈસ્થિત ઘેર પણ મોકલવામાં આવી હતી, પરંતુ પાયલ ત્યાં મળી નહોતી.

પાયલ અમદાવાદમાં એનાં માતા-પિતાનાં ઘેર હોવાની જાણ થતાં પોલીસ ટૂકડી ત્યાં ગઈ હતી અને ગયા રવિવારે એની ધરપકડ કરી હતી.

પાયલ જેલની બહાર આવીને રડી પડી; કહ્યું, ‘જેલમાં બહુ ઠંડી લાગી હતી’

એક રાત જેલમાં રહ્યાં બાદ આજે જેલમાંથી બહાર આવ્યાં બાદ પત્રકારો સમક્ષ પાયલ રડી પડી હતી. એણે કહ્યું કે જેલમાં બહુ જ ઠંડી લાગી હતી. બહાર આવ્યા બાદ સારું લાગે છે. જેલમાં લોકો બહુ સારા હતા. આપણે ડરતાં હોઈએ છીએ કે જેલમાં રહેનારા લોકો ખરાબ હોય, પણ એ લોકો ખરાબ નહોતા. હું બહુ ડરી ગઈ હતી. મારી સાથેની મહિલા કેદીઓએ મને એમની આપવીતી જણાવી હતી.

જેલમાં મળેલું ખાવાનું કેવું હતું? એમ પૂછતાં પાયલે કહ્યું કે ખાવાનું સારું હતું, પણ મને તીખું ખાવાનું પસંદ નથી.
સોશિયલ મિડિયા સાથેના સંબંધ વિશે એણે કહ્યું કે હું સોશિયલ મિડિયાથી દૂર નહીં જાઉં, પણ હવે ધ્યાન રાખીશ કે કોઈ કાનૂની વાંકમાં ફસાઈ ન જાઉં. હું કાયદાનાં પાલનમાં માનનારી છું. હું વિડિયો બનાવવાનું બંધ નહીં કરું, પણ હવેથી ધ્યાન રાખીશ.