પાકિસ્તાને અનુષ્કાની ‘પરી’ પર પ્રતિબંધ મૂક્યો

ઈસ્લામાબાદ – અનુષ્કા શર્મા અભિનીત અને નિર્મિત ‘પરી’ ફિલ્મ આજથી દેશભરમાં રિલીઝ થઈ છે અને જોનારાઓને ધ્રૂજાવી ગઈ છે ત્યારે આ ફિલ્મને પોતાના દેશમાં રિલીઝ કરવાનો પાકિસ્તાન સરકારે ઈનકાર કર્યો છે. એણે આ ફિલ્મના પ્રદર્શન પર એમ કહીને પ્રતિબંધ મૂક્યો છે કે તે ઈસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે.

પાકિસ્તાન સરકારનું કહેવું છે કે ‘પરી’ ફિલ્મ બ્લેક મેજિક (જાદુટોના, મેલી વિદ્યા)ને ઉત્તેજન આપે છે ઉપરાંત એ ઈસ્લામ ધર્મીઓની અમુક લાગણીઓની વિરુદ્ધ છે.

એન્ટ્રિયમ સિનેમાઝના માલિક નદીમ માંડવીવાલાએ કહ્યું કે આ બોલીવૂડ હોરર-થ્રિલર ફિલ્મને પ્રાંતિય સેન્સર બોર્ડ્સ તરફથી મંજૂરી આપવામાં આવી છે, પણ કેન્દ્રીય સેન્સર બોર્ડે તેની પર પ્રતિબંધ મૂક્યો છે. પરીને સિંધ અને પંજાબ પ્રાંતોના સેન્સર બોર્ડે મંજૂરી આપી હતી, પરંતુ ઈસ્લામાબાદ બોર્ડ, જે કેન્દ્રીય બોર્ડ છે એણે એની પર પ્રતિબંધ મૂક્યો છે. પરિણામે વિતરકોએ ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.

માંડવીવાલાએ કહ્યું કે કેન્દ્રીય સેન્સર બોર્ડના મતે આ ફિલ્મમાં અમુક એવા વાંધાજનક દ્રશ્યો જેમાં કુરાનની આયાતો (વાક્યો)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં કુરાનની આયાતોને હિન્દુ શ્લોકો સાથે મિક્સ કરવામાં આવ્યા છે તેમજ મુસ્લિમોને નકારાત્મક રીતે ચિતરવામાં આવ્યા છે જે વાંધાજનક છે, ઉપરાંત મેલી વિદ્યા (બ્લેક મેજિક) કરવા માટે કુરાનની આયાતોનો એમાં ઉપયોગ કરાયો છે.

ન્યુપ્લેક્સ સિનેમાઝે તેના ફેસબુક પેજ પર જણાવ્યું છે કે અમને હમણાં જ જાણ કરવામાં આવી છે કે પરી ફિલ્મ પર કેન્દ્રીય સેન્સર બોર્ડે પ્રતિબંધ મૂક્યો છે. તેથી ન્યુપ્લેક્સ સિનેમાઝમાં તે રિલીઝ કરવામાં નહીં આવે. વેચાઈ ગયેલી ટિકિટોનું રીફંડ અમારી બોક્સ ઓફિસ પરથી મેળવી શકાશે. અસુવિધા બદલ અમે માફી માગીએ છીએ.

ગયા મહિને પાકિસ્તાને અક્ષય કુમાર અભિનીત પેડ મેન ફિલ્મને રિલીઝ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. સ્ત્રીઓનાં માસિક ચક્ર અને એ માટે સેનિટરી નેપ્કિન્સનો ઉપયોગ કરવાના સંદેશના વિષય પર આધારિત ફિલ્મ ઈસ્લામિક મૂલ્યોની વિરુદ્ધ છે એવું કારણ આપીને તે ફિલ્મ પર પ્રતિબંધ જાહેર કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]