‘પાનીપત’ ફિલ્મ સામે રાજસ્થાનમાં વિરોધઃ દિગ્દર્શક આશુતોષ ગોવારીકરનાં પૂતળાં બાળ્યા

જયપુર – ‘લગાન’ ફિલ્મ સાથે બોલીવૂડમાં ફિલ્મનિર્માણ ક્ષેત્રમાં ધમાલ મચાવી દેનાર દિગ્દર્શક આશુતોષ ગોવારીકરની અમુક ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ હતી. ‘પાનીપત’ ફિલ્મ સાથે એ કમબેક કરશે એવું ઘણાયનું કહેવું છે.

પરંતુ આ ફિલ્મ રાજસ્થાનમાં મુસીબતમાં મૂકાઈ ગઈ છે. રાજસ્થાનના સ્થાનિક લોકોમાં આ ફિલ્મ વિશે વિરોધ ફેલાયો છે. એમનો દાવો છે કે આ ફિલ્મમાં રાજસ્થાનના જાટ લોકોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં અર્જૂન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનનની મુખ્ય ભૂમિકા છે.

‘પાનીપત’ ફિલ્મ હરિયાણામાં આવેલા ઐતિહાસિક શહેર પાનીપતમાં થયેલા ત્રીજા યુદ્ધ પર આધારિત છે. એ યુદ્ધ મરાઠા યોદ્ધાઓ અને હુમલાખોર અફઘાન મોગલો વચ્ચે 1761ની સાલમાં થયું હતું.

ફિલ્મમાં અર્જૂન કપૂરે મરાઠા યોદ્ધા સદાશિવ રાવ ભાઉની ભૂમિકા કરી છે. સંજય દત્ત ભારત પર ચઢાઈ કરનાર અફઘાન મુગલ રાજા એહમદ શાહ અબ્દાલી બન્યો છે તો કૃતિ બની છે સદાશિવ રાવની પત્ની પાર્વતીબાઈ.

ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે સદાશિવ રાવે અબ્દાલી સામે લડવા માટે જ્યારે રાજસ્થાનના મહારાજા સૂરજમલની મદદ માગી હતી ત્યારે સૂરજમલે એક નકારાત્મક સોદો કરવાની શરત મૂકી હતી, પણ સદાશિવે એ નકારી કાઢી હતી. એટલે અફઘાન દુશ્મનો સામે લડવામાં ટેકો આપવાનો સૂરજમલે ઈનકાર કરી દીધો હતો.

રાજસ્થાનના લોકોનો દાવો છે કે મહારાજા સૂરજમલને આ રીતે દર્શાવવામાં આવ્યા છે એ ખોટું છે, કારણ કે એનાથી ખોટો સંદેશ પ્રસારિત થશે.

ગુસ્સામાં આવેલા રાજસ્થાનના જાટ સમુદાયના લોકોએ દિગ્દર્શક ગોવારીકરના પૂતળાં બાળ્યા હતા.

‘પાનીપત’ ગઈ 6 ડિસેંબરે રિલીઝ થઈ હતી. પહેલા દિવસે એ માત્ર ચાર કરોડનો જ બિઝનેસ કરી શકી હતી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે બાજીરાવ પેશ્વાની આઠમી પેઢીના વંશજ નવાબઝાદા શાદાબ અલી બહાદુર, જેઓ હાલ ભોપાલમાં રહે છે, એમણે એક ડાયલોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. એ ડાયલોગ પાર્વતીબાઈ બોલે છેઃ ‘મૈંને સૂના હૈ પેશ્વા જબ અકેલે મુહિમ પર જાતે હૈં તો એક મસ્તાની કે સાથ લૌટતે હૈં.’

એ વખતે ગોવારીકરે દરેક જણને વિનંતી કરી હતી કે ફિલ્મ વિશે કોઈ પણ અભિપ્રાય બાંધતા પહેલાં એમણે ફિલ્મ જોવી જોઈએ.