‘પાનીપત’ ફિલ્મઃ અબદાલીના પાત્ર સામે અફઘાન દુતાવાસે વાંધો ઉઠાવ્યો

મુંબઈ – આશુતોષ ગોવારીકર દ્વારા નિર્મિત આગામી હિન્દી ફિલ્મ ‘પાનીપત’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ગોવારીકરની આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે અને તેના ટ્રેલરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

આ ફિલ્મ અફઘાન લોકો અને મરાઠાઓ લોકો વચ્ચેના યુદ્ધને લગતી છે. એ યુદ્ધ પાનીપતમાં થયું હતું અને ત્રીજું યુદ્ધ હતું. ફિલ્મમાં સંજય દત્ત અફઘાનિસ્તાનમાંથી ભારત પર ચડાઈ કરનાર અફઘાન રાજા અને દુરાની સામ્રાજ્યની સ્થાપના કરનાર એહમદ શાહ અબદાલીનો રોલ કરી રહ્યો છે જ્યારે અર્જુન કપૂર બન્યો છે મરાઠા યોદ્ધો સદાશિવ રાવ ભાઉ.

ટ્રેલરમાં સંજય દત્તનો ફર્સ્ટ લૂક બહુ સંક્ષિપ્ત છે, પણ એની હાજરી જોરદાર છે.

આ ટ્રેલરને ભારતમાં તો ખૂબ પસંદ કરવામાં આવ્યું છે, પણ અફઘાનિસ્તાનમાં વિરોધી અવાજ ઉઠ્યો છે.

એહમદ શાહ અબદાલીના પાત્રને કદાચ ખરાબ રીતે રજૂ કરવામાં આવશે એવા ડરને કારણે ભારત સ્થિત અફઘાનિસ્તાનની એલચી કચેરીએ ટ્રેલર/ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે નવી દિલ્હીમાં, પોતાનો વિરોધ કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર સમક્ષ નોંધાવ્યો છે. અફઘાન દૂતાવાસે એક પત્ર વિદેશ મંત્રાલયને પણ મોકલ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે આ ફિલ્મ ભૂતપૂર્વ અફઘાન સમ્રાટ એહમદ શાહ અબદાલી સંબંધિત હોવાથી એમના પાત્રને જો જરા પણ વિકૃત રીતે રજૂ કરવામાં આવશે તો બંને દેશના લોકો વચ્ચે હાલ પ્રવર્તતા સરસ વિશ્વાસ અને કોમી એખલાસ પર અવળી અસર પડી શકે છે.

સૌથી મહત્ત્વના ગણાયેલા યુદ્ધોમાં પાનીપતમાંના એ ત્રીજા યુદ્ધનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ યુદ્ધ અબદાલી અને એમના સૈનિકોએ જીત્યું હતું અને મરાઠાઓનો પરાજય થયો હતો.

અફઘાનિસ્તાન સાથે ભારતના અનેક સ્તરે વ્યૂહત્મક સંબંધો રહ્યા હોવાથી ભારત સરકાર અફઘાન દૂતાવાસના પત્રનો જવાબ આપે એવી પૂરી શક્યતા છે.