ઓસ્કર 2019: ‘ગ્રીન બુક’ બેસ્ટ ફિલ્મ, રેમી મલેક બેસ્ટ એક્ટર, ઓલિવિયા કોલમન બેસ્ટ એક્ટ્રેસ ઘોષિત

લોસ એન્જેલિસ – અત્રેના હોલીવૂડ ડોલ્બી થિયેટરમાં આયોજિત 91મા ઓસ્કર એવોર્ડ્સ સમારંભમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ‘ગ્રીન બુક’ ફિલ્મે. આ ફિલ્મે પાંચ કેટેગરીમાં નામાંકન મેળવ્યા હતા. એમાંથી 3 એવોર્ડ એણે કબજે કર્યા છે. બેસ્ટ ફિલ્મ ઉપરાંત બેસ્ટ સહાયક અભિનેતા અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રેમી મલેકે જીત્યો છે. ‘બોહેમિયન રેપ્સોડી’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે એમને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ઓલિવિયા કોલમેને જીત્યો છે, બેસ્ટ એક્ટ્રેસ માટેનો એવોર્ડ. આ એવોર્ડ એમને ‘ધ ફેવરિટ’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે આપવામાં આવ્યો છે.

શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ અલ્ફોન્સો કુરોનને ફાળે ગયો છે – ‘રોમા’ ફિલ્મનાં દિગ્દર્શન માટે.

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ વિજેતા છેઃ ‘સ્પાઈડર-મેનઃ ઈનટુ ધ સ્પાઈડર-વર્સ’.

મેહરશલા અલીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો ‘ગ્રીન બુક’ ફિલ્મ માટે. તો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર એવોર્ડ રેજિના કિંગને ફાળે ગયો છે. ‘ઈફ બીલ સ્ટ્રીટ કુડ ટોક’ ફિલ્માં કરેલી ભૂમિકા માટે રેજિનાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. રેજિનાનો આ પહેલો જ ઓસ્કર છે. એમણે આ એવોર્ડ એમના માતાને અર્પણ કર્યો છે.

‘બ્લેક પેન્થર’ ફિલ્મે બેસ્ટ કોસ્ચ્યૂમ (રુથ કાર્ટર) અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન (હેન્ના બીકલર, જે હાર્ટ) માટે એવોર્ડ જીત્યા હતા.

બેસ્ટ વિદેશી ભાષી ફિલ્મનો એવોર્ડ જીતવામાં સફળ રહી ‘રોમા’ ફિલ્મ (મેક્સિકો).

આ વખતે બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં આઠ ફિલ્મો રેસમાં હતી.

એવોર્ડના છેલ્લા 30 વર્ષના ઈતિહાસમાં આ પહેલી જ વાર કાર્યક્રમ કોઈ હોસ્ટ વિના યોજવામાં આવ્યો હતો.

1989માં પણ આવો પ્રસંગ બન્યો હતો. આ વખતે કાર્યક્રમના સંચાલનની જવાબદારી કોમેડિયન કેવિન હાર્ટને સોંપવામાં આવી હતી, પરંતુ એમના અમુક જૂના ટ્વીટ્સને કારણે વિવાદ ઊભો થતાં ખુદ કેવિન જ આ કાર્યક્રમને હોસ્ટ કરવામાંથી ખસી ગયા હતા. અગાઉના બે વર્ષે સેરેમની હોસ્ટ કરવાની જવાબદારી જિમી કિમેલે સંભાળી હતી.

આ વખતના ઓસ્કર એવોર્ડ્સમાં ભારતનું નામ પણ ચમક્યું

ભારત પર આધારિત ફિલ્મ ‘પીરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’એ ડોક્યૂમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં ઓસ્કર જીત્યો છે. આ ફિલ્મ ભારતમાં સ્ત્રીઓનાં માસિક ધર્મને લગતી માન્યતાઓ પર આધારિત છે. ફિલ્મનાં ડાયરેક્ટર રાયકા જેતાબચી અને નિર્માતા છે ગુનીત મોંગા, જે ભારતીય છે.

ગુનીત મોંગાએ અમુક સારી ફિલ્મો બનાવી છે. જેમાં ‘મસાન’ અને ‘લંચબોક્સ’ ફિલ્મોનો સમાવેશ થાય છે.

httpss://twitter.com/guneetm/status/1099864415078363137

ગુનીત મોંગાએ ઓસ્કર એવોર્ડ જીત્યાના સમાચાર બાદ બોલીવૂડમાં આનંદ છવાઈ ગયો છે. ‘મસાન’ ફિલ્મની અભિનેત્રી રિચા ચઢ્ઢા, દિગ્દર્શક અનુરાગ કશ્યપ, ઓસ્કરવિજેતા સંગીતકાર એ.આર. રેહમાને ટ્વીટ કરીને મોંગાને અભિનંદન આપ્યા છે.

httpss://twitter.com/RichaChadha/status/1099871689012170759

httpss://twitter.com/arrahman/status/1099865031833923584