નીતિન ગડકરીએ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું

નાગપુર – લોકસભા ચૂંટણીમાં શાસક ભાજપ-એનડીએની જીતની એક્ઝિટ પોલ્સ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આગામી બોલીવૂડ બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.

આ પોસ્ટરમાં આવું વંચાય છેઃ ‘આ રહે હૈં દોબારા પીએમ નરેન્દ્ર મોદી… અબ કોઈ નહીં રોક સકતા.’

નવા પોસ્ટરમાં એક્ટર વિવેક ઓબેરોય દેખાય છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યો છે. એ હાથમાં શંખ પકડીને ફૂંકે છે અને એનું માથું ઊંચું છે.

 

પોસ્ટર લોન્ચ પ્રસંગે વિવેકે કહ્યું કે, વડા પ્રધાન તરીકે મોદીજી પુનરાગમન કરે એનાથી દેશને ફાયદો થાય એવું હું ઈચ્છું છું…. હું ઈચ્છું છું કે બાળકો આ ફિલ્મ જુએ અને એમાંથી કંઈક શીખે. જે લોકો રાજકારણમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે એમને માટે મોદી પ્રેરણામૂર્તિ છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં જીવન પર બાયોપિક ફિલ્મ બને તો તમે એમાં રાહુલનો રોલ કરશો? તો વિવેકે જવાબમાં કહ્યું કે, એમાં હું શું કરી શકવાનો? જો તેઓ (રાહુલ) ભવિષ્યમાં દેશ માટે કંઈક સારું કરે તો…

ગડકરીએ કહ્યું કે વિવેકે આ ફિલ્મમાં ઘણી સરસ કામગીરી બજાવી છે. મેં આ ફિલ્મ જોઈએ છે. આ નવી પેઢી માટેની ફિલ્મ છે. નવી પેઢીના લોકો આ ફિલ્મ જોશે તો જરૂર પ્રેરિત થશે અને એમને જીવનમાં કોઈક દિશા મળશે. નિર્માતા સંદીપ સિંહનો આ સારો પ્રયાસ છે અને દેશના યુવાધન માટે સરસ સંદેશ પણ છે. ફિલ્મમાં જે મનોરંજન છે એમાં પણ કંઈક સંદેશ રહેલો છે.

આ ફિલ્મ 24 મેએ રિલીઝ થવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]