‘તાનાજી’ ફિલ્મમાંના અમુક પ્રસંગોને તત્કાળ બદલો નહીં તો…’ : NCPના નેતાની ધમકી

મુંબઈ – અજય દેવગનને મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેના પાત્રમાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિઅર’ નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મીરસિયાઓ અને દેવગનના ચાહકોએ ટ્રેલરને પસંદ કર્યું છે, પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના એક નેતાને અમુક દ્રશ્યો વિશે વાંધો પડ્યો છે.

NCPના જિતેન્દ્ર આવ્હાડે એવો આક્ષેપ કર્યો છે કે આ ફિલ્મમાં અમુક પ્રસંગો વિશે ખોટી રજૂઆત કરવામાં આવી છે.

મુંબઈની પડોશના થાણે જિલ્લાના મુંબ્રા-કલવા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા MLA આવ્હાડે ફિલ્મના નિર્માતાઓને ધમકીના સૂરમાં કહ્યું છે કે, ‘અમુક દ્રશ્યોને તાત્કાલિક બદલી નાખો, નહીં તો હું મારી સ્ટાઈલમાં પગલું ભરીશ.’

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ઈતિહાસમાં તાનાજી માલુસરેએ મોગલો સામે બતાવેલી બહાદુરીની ગાથા ખૂબ જાણીતી છે. તાનાજી છત્રપતિ શિવાજી મહારાજના વિશ્વાસુ અને અત્યંત પરાક્રમી સેનાપતી હતા અને નરવીર તરીકે પ્રખ્યાત થયા છે.

‘તાનાજી’ ફિલ્મ દ્વારા અજય દેવગન અને સૈફ અલી ખાન 13 વર્ષ પછી ફરી સાથે ચમકશે. છેલ્લે 2006માં તેઓ ‘ઓમકારા’ ફિલ્મમાં સાથે ચમક્યા હતા. એ પહેલાં બંનેએ ‘એલઓસીઃ કારગીલ’ અને ‘કચ્ચેધાગે’ ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું. ‘તાનાજી’ ફિલ્મમાં સૈફ અલી ખાન કરી રહ્યો છે ઉદયભાન રાઠોડનો રોલ, જે મૂળ રાજપૂત યોદ્ધો હતો, પણ મોગલ સેનાએ એને તાનાજી સામે લડવા માટે પસંદ કર્યો હતો. ઉદયભાને બાદમાં મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.

ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં મહારાષ્ટ્રના કોંઢાણાના કિલ્લા પર જીત હાંસલ કરવા માટે મોગલ સેના અને મરાઠા સેના વચ્ચે યુદ્ધ થાય છે. મરાઠા સેનાનાં સેનાપતિ તાનાજી કોંઢાણા કિલ્લો જીતવા માટે આગળ વધે છે જ્યારે મોગલ સેના તરફથી ઉદયભાન રાઠોડ લડે છે.

જિતેન્દ્ર આવ્હાડે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને નિર્માતા (અજય દેવગન) અને દિગ્દર્શક (ઓમ રાઉત)ને ચેતવણી આપી છે. એમણે લખ્યું છે કે, ‘ઓમ રાઉત, તમારી તાનાજી ફિલ્મનું ટ્રેલર જોયું, એમાં અમુક પ્રસંગો વિશે તમે જે અનૈતિહાસિક અને ભૂલભરેલી વાતો ઘૂસાડી છે એને તત્કાળ બદલી નાખો નહીં તો મારે મારી સ્ટાઈલમાં પગલું ભરવું પડશે. આને ધમકી સમજશો તો ચાલશે.’

‘તાનાજીઃ ધ અનસંગ વોરિઅર’ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મિડિયા પર જબ્બર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ 2020ની 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.