મારો પુત્ર કેન્સર સામેની લડાઈમાં મારી શક્તિનો સ્રોત છેઃ સોનાલી બેન્દ્રે

ન્યૂયોર્ક – બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે-બહલ મેટાસ્ટેટિક કેન્સરની મહાબીમારી સામે ઝઝૂમી રહ્યાં છે અને હાલ અહીંની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. એમણે સોશિયલ મિડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ મૂકી છે જેમાં એમણે એમનાં 12 વર્ષના પુત્ર રણવીર સાથે એમની એક તસવીર દર્શાવી છે અને જણાવ્યું છે કે પોતાને કેન્સર હોવાની જાણ જ્યારે રણવીરને કરવામાં આવી ત્યારે એણે કેવા પ્રત્યાઘાત વ્યક્ત આપ્યા હતાં.

સોનાલીએ લખ્યું છે કે, રણવીરનો જન્મ થયો છે ત્યારથી એનો આનંદ અને એની દેખભાળ મારી અને મારાં પતિ ગોલ્ડી બહલ માટે પ્રાથમિકતા રહ્યાં છે.

‘મને જ્યારે ખબર પડી કે મને કેન્સર છે ત્યારે અમને સૌથી વધારે ચિંતા એ વાતની હતી કે રણવીરને કેવી રીતે જણાવવું. પછી મેં અને ગોલ્ડી બંનેએ નક્કી કર્યું કે રણવીરને સત્ય જણાવી દેવું જોઈએ.’

પરંતુ રણવીરે આ સમાચારને જે પરિપક્વતા સાથે લીધા એ જોઈને સોનાલી ચકિત થઈ ગયાં હતાં અને મહારોગ સામે જંગ ખેલવા માટે પુત્રનો અભિગમ જ એમને માટે તાકાત અને સકારાત્મક્તાનો સ્રોત બની ગયો.

સોનાલીનું કહેવું છે કે હવે અમુક પરિસ્થિતિમાં મેં મારી ભૂમિકા બદલી નાખી છે. રણવીર જાણે વડીલની માફક મારી દેખભાળ કરવા લાગ્યો છે મને યાદ અપાવતો રહે છે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

પોતાનાં પ્રશંસકોને સંતાનોનાં ઉછેર વિશે સલાહ આપતાં સોનાલી કહે છે કે, સંતાનોને આ પ્રકારના સંજોગોથી વાકેફ કરી દેવા જોઈએ. એમને આવા સમાચારોથી અલગ રાખવાને બદલે એમની સાથે સમય વિતાવીને એમને આવા સંજોગોમાં સામેલ કરવા જોઈએ.