વિવેક ઓબેરોય કહે છે, ‘રાજકારણમાં જોડાઈશ તો વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડીશ’

0
1211

વડોદરા – બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે કહ્યું છે કે જો તે રાજકારણમાં જોડાશે તો 2024ની લોકસભા ચૂંટણી ગુજરાતના વડોદરા શહેરમાંથી લડશે.

આમ, વિવેકે પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, વિવેક આગામી હિન્દી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં વડા પ્રધાન મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. જોકે આ બાયોપિક ફિલ્મની રિલીઝ હાલ અટવાઈ ગઈ છે. એને પાંચમી એપ્રિલે રજૂ કરવાનું નિર્માતાઓએ નક્કી કર્યું હતું, પણ કોર્ટ કેસને કારણે રિલીઝને મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મની રિલીઝ પર સ્ટે ઓર્ડર આપવવાની માગણી કરતી એક પીટિશન પર તાકીદે સુનાવણી કરવાની માગણી કરતી એક અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે.

વિવેક ઓબેરોય તેની આ ફિલ્મના પ્રચાર માટે શનિવારે વડોદરા આવ્યો હતો અને પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. એ વખતે એક સવાલના જવાબમાં એણે કહ્યું હતું કે જો પોતે રાજકારણમાં પડવાનું નક્કી કરશે તો 2024ની લોકસભા ચૂંટણી વડોદરામાંથી લડશે.

પીટીઆઈ સમાચાર સંસ્થાએ એક અહેવાલમાં વિવેકને એવું કહેતા ટાંક્યો છે કે, જો હું રાજકારણમાં જોડાઈશ તો 2024ની લોકસભા ચૂંટણી વડોદરામાંથી લડવાનું પસંદ કરીશ, કારણ કે વડા પ્રધાન મોદીએ 2014ની લોકસભા ચૂંટણી જ્યારે આ શહેરમાંથી પણ લડી હતી ત્યારે આ શહેરની જનતાએ એમના પ્રત્યે પ્રેમ અને લાગણી દર્શાવ્યા હતા.