પેરિસમાં મલ્લિકા શેરાવત અને એનાં ફ્રેન્ચ બોયફ્રેન્ડને ઘરમાલિકે તગેડી મૂક્યાં

મુંબઈ – મલ્લિકા શેરાવત યાદ છે? ‘મર્ડર’ ફિલ્મની વિવાદાસ્પદ બની ગયેલી અભિનેત્રી, જેણે ઈમરાન હાશ્મી સાથે લિપકિસનાં સીન કરીને ઉશ્કેરાટ ફેલાવી દીધો હતો. હા, એ, મલ્લિકા શેરાવત. પણ આજે આ અભિનેત્રી એનાં ઉત્તેજક દ્રશ્યોને કારણે નહીં, પણ પેરિસમાં એક ઘરમાંથી હાંકી કઢાઈ એને કારણે સમાચારમાં ચમકી છે.

મલ્લિકા અને એનાં ફ્રેન્ચ બોયફ્રેન્ડ સિરીલ ઓક્ઝનફેન્સને પેરિસમાં તેઓ જે ઘરમાં રહેતાં હતાં એનાં માલિકે કાઢી મૂક્યાં છે. જોકે મલ્લિકાએ ટ્વીટ કરીને એને ઘરમાંથી હાંકી કઢાઈ હોવાના સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પેરિસમાં એનું કોઈ ઘર જ નથી.

64 લાખનું ભાડું નહોતું ભર્યું?

કહેવાય છે કે મલ્લિકા અને સિરીલે ઘરમાલિકને 80 હજાર યુરો એટલે કે 64 લાખ રૂપિયાનું ભાડું ચૂકવવાનું હતું, પણ આ બંને પાસે પૈસાની તંગી હોવાનું એમનાં વકીલે જણાવ્યું હતું.

સિરીલ ઓક્ઝનફેન્સ મલ્લિકાનો બિઝનેસ પાર્ટનર છે.

આ બંનેએ બાડું ન ચૂકવ્યું હોવાનો મામલો પેરિસની કોર્ટમાં ગયો છે.

પેરિસમાં મલ્લિકા અગાઉ પણ ફસાઈ ગઈ હતી. 2016માં મલ્લિકા અને સિરીલ પર હુમલો કરવામાં આવ્યો હતો. બંને જણ મકાનમાં પ્રવેશતાં હતાં ત્યારે માસ્ક પહેરેલા ચાર શખ્સે એમની પર કોઈક ગેસ છોડ્યો હતો અને એમની મારપીટ કરી હતી. એ હુમલો લૂંટારાઓએ કર્યો હોવાનું મનાય છે. ત્યારથી મલ્લિકા ઘરમાલિકને ભાડું ચૂકવવામાં ધાંધિયા કરતી હતી.

એક અહેવાલ અનુસાર, મલ્લિકાનાં વકીલે એવો દાવો કર્યો છે કે લવર્સે એમની પર કરાયેલા હુમલા સામે વિરોધ દર્શાવવા માટે ભાડું ચૂકવવાનું બંધ કર્યું છે.

મલ્લિકા અને એનો બોયફ્રેન્ડ પેરિસમાં 3757 સ્ક્વેર ફીટના એપાર્ટમેન્ટમાં રહે છે. આ મકાન શહેરના પોશ વિસ્તાર – 16મા એરોન્ડિસમેન્ટમાં આવેલું છે. અહીં શ્રીમંત ફ્રેન્ચ નાગરિકો રહે છે.

એક ટ્વીટ દ્વારા મલ્લિકાએ એવું કહ્યું છે કે પેરિસમાં એનું કોઈ ઘર નથી, પણ પોતાને ખરીદવાનું ગમશે. પેરિસમાં પોતાનું ઘર હોવાની બધી અફવાઓ છે. (વાંચો એનું ટ્વીટ)

httpss://twitter.com/mallikasherawat/status/941331468675977216

બોયફ્રેન્ડ સાથે લગ્ન?

બોયફ્રેન્ડ સિરીલ સાથે પોતે લગ્ન કર્યાં હોવાના સમાચારને મલ્લિકાએ રદિયો આપ્યો છે.

એણે ટ્વીટ કરીને લખ્યું છે કે લોકો આવી અફવા ફેલાવવાનું બંધ કરે. જ્યારે હું લગ્ન કરીશ ત્યારે તમામ લોકોને આમંત્રિત કરીશ.

મલ્લિકા છેલ્લે ચાઈનીઝ ફેન્ટસી-એક્શન ફિલ્મ ‘ટાઈમ રેઈડર્સ’માં દેખાઈ હતી. એની આગામી હિન્દી ફિલ્મ આવી રહી છે ‘ઝીનત’. આ ફિલ્મ સંદેશ નાયકે બનાવી છે અને તે આવતા વર્ષે રિલીઝ થાય એવી ધારણા છે.