‘લવરાત્રિ’નું ટ્રેલર આવી ગયું છે; ગુજરાતની નવરાત્રિની રમઝટ જોવા મળે છે

મુંબઈ – આગામી નવી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’નું ટીઝર ઈન્ટરનેટ પર રિલીઝ થયું હતું ત્યારથી સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા પ્રકાશમાં આવી ગયો હતો. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલરમાં આયુષ ફાંકડો, હેન્ડસમ યુવાન દેખાય છે તો અભિનેત્રી વારિના હુસૈનની સુંદરતાનાં છોકરાઓ દીવાના થઈ જશે એવું લાગે છે. આ બંને કલાકાર બોલીવૂડમાં નવોદિત છે.

‘લવરાત્રિ’ના ટ્રેલરમાં રોમાન્સ છે, લાગણી છે અને પ્રેમને પામવા માટે અંતિમ હદે જવાની ઈચ્છાની એક ઝલક પણ જોવા મળી છે. અને વિશેષ વાત એ છે કે વડોદરાની ફેમસ નવરાત્રિના રાસ-ગરબાની રમઝટ પણ છે. 

ટ્રેલર જોઈને એવું લાગે નહીં કે આયુષ અને વારિનાની આ પહેલી જ ફિલ્મ છે.

સલમાન ખાન આ ફિલ્મનો નિર્માતા છે અને એણે ફિલ્મરસિયાઓ સમક્ષ એક નવી જોડી પ્રસ્તુત કરી છે.

પોતાના સાળા સલમાન વિશે આયુષ અગાઉ જણાવી ચૂક્યો છે કે, ‘સલમાનભાઈ મને હંમેશાં યોગ્ય રીતે માર્ગદર્શન આપતા રહ્યા છે. એમણે જ મને કહ્યું હતું કે તું કેટલા ઓડિશન્સ આપે છે એના પરથી નહીં, પણ તું ઓડિશન ક્યારે આપે છે એના પરથી તારી કાબેલિયતનો અંદાજ આવી જાય છે. મેં સલમાનભાઈ સાથે ચાર વર્ષ સુધી તાલીમ લીધી છે. એમણે મને કહ્યું હતું કે હું તને ફિલ્મોમાં બ્રેક અપાવીશ, પણ જ્યારે તું કેમેરા સામે ઊભો રહે ત્યારે પરફોર્મ કરવાનું કામ તારું રહેશે. એ કંઈ હું તારા બદલે કરી ન શકું.’

‘લવરાત્રિ’ ફિલ્મનું શૂટિંગ લંડનમાં અને ગુજરાતની હદમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સલમાન ખાન દ્વારા એના બેનર સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મ આવતી પાંચ ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

(જુઓ ‘લવરાત્રિ’નું ટ્રેલર)

httpss://youtu.be/NCC6izqds04

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]