સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ વિરુદ્ધની પીટિશન મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી

મુંબઈ – સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાન અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘કેદારનાથ’ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવેલી એક જનહિતની અરજીને મુંબઈ હાઈકોર્ટે આજે ફગાવી દીધી છે. આ સાથે જ મુંબઈમાં આ ફિલ્મ આવતીકાલે, શુક્રવાર, 7 ડિસેમ્બરે રિલીઝ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

આ ફિલ્મ હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને  દુભાવનારી છે એવો આરોપ જનહિતની અરજીમાં કરવામાં આવ્યો હતો.

અરજીને નકારી કાઢવામાં આવતાં ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોને મોટી રાહત થઈ હશે.

રમેશચંદ્ર મિશ્રા અને પ્રભાકર ત્રિપાઠી નામના બે લૉયરે નોંધાવી હતી. એમણે અરજીમાં એવી માગણી કરી હતી કે આ ફિલ્મ લવ જિહાદને ઉત્તેજન આપતી હોવાથી અને હિન્દુધર્મીઓની લાગણીને ઠેસ પહોંચાડતી હોવાથી એને આપવામાં આવેલી મંજૂરી વિશે સેન્સર બોર્ડે ફેરવિચારણા કરવી જોઈએ.

અરજદારોએ એમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં એક હિન્દુ છોકરી (સારાએ ભજવેલાં પાત્ર) અને એક મુસ્લિમ છોકરા (સુશાંતે ભજવેલા પાત્ર) વચ્ચે પ્રેમ પાંગરે છે, પરંતુ આ લવસ્ટોરીને કારણે દેશમાં પરિસ્થિતિ બગડશે અને લવ જિહાદના દૂષણને ઉત્તેજન મળશે.

એવી પણ ફરિયાદ કરાઈ હતી કે ફિલ્મના એક પ્રેમ દ્રશ્યનું શૂટિંગ કેદારનાથમાં ભજવવામાં આવ્યું છે. આ સ્થળને હિન્દુ લોકો પવિત્ર યાત્રાધામ ગણે છે તેથી આવું દ્રશ્ય હિન્દુઓની ધાર્મિક લાગણીને દુભાવશે.

જ્યાં સુધી સેન્સર બોર્ડ આ ફિલ્મ વિશે ફેરવિચારણા ન કરે ત્યાં સુધી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવી અરજદારોએ કોર્ટને વિનંતી કરી હતી.

દલીલબાજી વખતે સેન્સર બોર્ડના વકીલ પણ કોર્ટમાં હાજર હતા. એમણે એમ કહીને પીટિશનનો વિરોધ કર્યો હતો કે આ પીટિશન રાજકીય હેતુવાળી છે. સેન્સર બોર્ડે તમામ પ્રક્રિયાઓનું પાલન કરીને નિર્ધારિત માર્ગદર્શિકાઓ અનુસાર ફિલ્મનું અવલોકન કર્યું છે.

‘કેદારનાથ’ ફિલ્મમાં આંતર-ધર્મ રોમાન્સની વાર્તા છે. એક શ્રીમંત હિન્દુ છોકરી ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ મંદિરની યાત્રાએ જાય છે અને એ દરમિયાન એનાં ગાઈડ બનેલા મુસ્લિમ છોકરા સાથે એને પ્રેમ થઈ જાય છે. તેઓ જેમ જેમ એકબીજાંની નિકટ આવે છે તેમ તેમ અવરોધોનો એમને સામનો કરવો પડે છે, જેમ કે, પરિવારોમાં વિરોધ અને વિરોધાભાસી બેકગ્રાઉન્ડ. એ દરમિયાન, 2013માં ઓચિંતા વરસાદથી ઉત્તરાખંડમાં પૂર આવે છે અને યુગલને એવી સ્થિતિમાં રહેવાની ફરજ પડે છે કે જેમાં એમનાં પ્રેમની કસોટી થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]